વડોદરા, તા.૬ 

વડોદરા શહેર-જિલ્લામાં આજે વહેલી સવારથી બપોર સુધી એકધારો વરસાદ થતાં કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આજે વહેલી સવારથી વરસાદ શરૂ થતાં નોકરી-ધંધાર્થે જવા નીકળેલા લોકોને રેઈનકોટ, છત્રી લઈને જવાની ફરજ પડી હતી. પરંતુ દિવસ દરમિયાન શહેરમાં ૩૦ મિ.મી. એટલે કે સવા ઈંચ વરસાદથી ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર થયા બાદ હવે મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજા ધીમે ધીમે જમાવટ કરી રહ્યા છે. આજે વહેલી સવારથી ઝરમર વરસાદ બપોર સુધી એકધારો વરસતાં સવારે નોકરી-ધંધાર્થે જવા નીકળેલા લોકોને રેઈનકોટ, છત્રી સાથે નીકળવું પડયું હતું. જા કે, કાળાંડિબાંગ વાદળાં ઘેરાતાં મેઘો મનમુકીને વરસે તેવા એંધાણ જણાતા હતા, પરંતુ બપોરના છૂટછવાયા હળવા છાંટાને બાદ કરતાં મેઘરાજા મનમુકીને વરસ્યા નહોતા.

સવારથી વરસાદ શરૂ થતાં તેની વેપાર-ધંધા ઉપર અસર જાવા મળી હતી. જા કે, વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. જ્યારે છેલ્લાં કેટલાંક દિવસથી ઉકળાટથી પરેશાન લોકોએ ઠંડક થતાં રાહત અનુભવી હતી. જિલ્લા પૂર નિયંત્રણકક્ષના સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ થી સાંજના ૬ વાગ્યા સુધી પાદરા તાલુકામાં ૩૩ મિ.મી., વડોદરામાં ૩૦ મિ.મી., કરજણમાં ૨૬ મિ.મી., ડભોઈમાં ૧૬ મિ.મી., જ્યારે સાવલી, ડેસર, શિનોર અને વાઘોડિયામાં ૧૦ મિ.મી.થી ઓછો હળવો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.