પૂણે

પુણેમાં રમાયેલી ઇંગ્લેંડ સામેની શ્રેણીની પ્રથમ વન ડેમાં લગાવેલા ધુંઆધાર અર્ધશતકે કૃણાલ પંડ્યાની ઓળખને નિખારી દીધી હતી. આઇપીએલ માં વાહ વાહી મેળવતો કૃણાલ વન ડે આંતરરાષ્ટ્રીયમાં ડેબ્યૂ કરતા જ પોતાનો જલવો પણ દેખાડી દીધો હતો. આમ પણ તેને હાર્દિક પંડ્યાના મોટા ભાઇ તરીકે ઓળખામા આવે છે. વડોદરાના કેપ્ટન અને મુંબઇ ઇન્ડીયન્સના એક જબરદસ્ત ઓલરાઉન્ડર તરીકે ની મુળ ઓળખ છે કૃણાલની. જોકે હવે તે ભારતીય ટીમના ખેલાડી તરીકે પણ અલગ ઓળખ ઉભી કરી રહ્યો છે. T20 મેચમાં તેણે વેસ્ટઇન્ડીઝ  સામે પોતાનુ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. આમ બંને ફોર્મેટમાં ડેબ્યૂમાં તે ટીમ માટે જીત લઇને આવ્યો હતો. તેનો નાનો ભાઇ હાર્દીક પંડ્યા ટીમમાં સ્થાન પાકુ કરી ચુક્યો છે. હવે આવો જ મોકો કૃણાલ પાસે છે. આજે કૃણાલનો 30 મો જન્મ દિવસ છે અને જાણીશુ તેની કહાની કે કેવી રહી ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની સફર.

કૃણાલ પંડ્યા નો જન્મ 24 માર્ચે 1991માં અમદાવાદમાં થયો હતો. પરંતુ તેનુ પરિવાર સુરતમાં રહેતુ હતુ. પિતા હિંમાશુ પંડ્યા ત્યાં કાર ફાઇનાન્સનુ કામ કરતા હતા. જ્યારે કૃણાલ પંડ્યા છ વર્ષની આસપાસ નો હતો ત્યારે સ્થાનિક કોચ એ તેના પિતાને તેના ભવિષ્યની સંભાવનાઓ કહી હતી. એવામાં હિમાંશુ ભાઇ વ઼ડોદરામાં કૃણાલ પંડ્યાને કિરણ મોરે એકડમીમાં લઇ ગયા હતા. મોરે પણ તેની પ્રતિભા જોઇને પ્રભાવિત થયા હતા. બાદમાં મોરે એ પોતાને ત્યાં કૃણાલને એડમિશન આપ્યુ હતુ. તેના પિતા હિમાશુ પણ સુરત થી પોતાનુ કામકાજ સમેટીને વડોદરા આવી ચુક્યા હતા. કૃણાલ એ એર વાર કહ્યુ હતુ કે, તે છ વર્ષ ના બાળક માટે આવડો મોટો નિર્ણય લેવો ખૂબ મોટી વાત હતી. ત્યાર બાદ સાડા ત્રણ વર્ષ સુધી હિમાંશુભાઇ બાઇક પર તેને એકેડમી લઇ જતા હતા. ધીરે ધીરે કૃણાલ અહી જામી પડ્યો હતો.

ઇજાને લઇને આઇપીએલમાં મોડુ ડેબ્યૂ થયુ

કૃણાલ પોતાની રમતને સારી બનાવવા માટે સતત પ્રયાસ કરતો હતો. તે તેમાં સતત સુધાર કરતો હતો. ત્યારે જ હાર્દિક પણ તેની દેખાદેખીમાં ક્રિકેટની દુનિયામાં આવી ગયો હતો. હાર્દિક અને કૃણાલ બંને સાથે મળીને ક્રિકેટના મેદાનમાં જતા હતા. એવામાં એક દિવસ કોઇએ હાર્દિકને પણ રમત રમવા માટે કહ્યુ હતુ. મોટા ભાઇ કૃણાલની માફક છ સાત વર્ષની ઉંમર થી જ પોતાની ક્રિકેટ રમત થી સૌને પ્રભાવિત કર્યા હતા. બાદમાં તો બંને ભાઇ અનેક સ્થાનિક ટૂર્નામેન્ટમાં રમવા લાગ્યા હતા. આગળ જતા બંને એ પોતાની રમત થી ટીમ ઇન્ડીયામાં જગ્યા બનાવી લીધી હતી. જોકે હાર્દિક ને પ્રથમ મોકો મળ્યો હતો જ્યારે કૃણાલને કેટલાક વર્ષ રાહ જોવી પડી હતી.

મુંબઇમાં ડીવાય ટુર્નામેન્ટમાં તેણે મુંબઇ ઇન્ડીયન્સ અને દિલ્હી ડેયરવિલ્સના સ્કાઉટનુ ધ્યાન ખેંચ્યુ હતુ. જોકે જ્યારે તેણે પોતાના પ્રદર્શન થી ધ્યાન ખેંચ્યુ હતુ, એ જ દરમ્યાન સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ફિલ્ડીંગ દરમ્યાન ખભામાં ઇજા પહોંચી હતી. આ કારણ થી તે લાંબો સમય ક્રિકેટ થી દુર રહ્યો હતો. તેણે ખભામાં સર્જરી કરાવવી પડી હતી. દરમ્યાન મુંબઇ અને દિલ્હી ની ટીમો પણ તેના અંગે સતત જાણકારી મેળવતી રહી હતી.. ત્યારે જ આઇપીએલ 2016ના ઓકશનમાં મુંબઇ ઇન્ડીયન્સે બે કરોડમાં કૃણાલને પોતાની સાથે લઇ લીધો હતો. તેની બેઝ પ્રાઇઝ 20 લાખ રુપિયા હતી. હાર્દિક આ પહેલા થી જ મુંબઇ સાથે જોડાઇ ચુક્યો હતો. કૃણાલની ગણતરી આઇપીએલમાં સૌથી મોટી બોલી બોલાયેલા અનકેપ્ડ ખેલાડીમાં થતી હતી. ત્યારબાદ 2018 ની આઇપીએલમાં તેની પર 8.8 કરોડનો દાવ લગાવીને મુંબઇએ તેને પોતાની સાથે બનાવી રાખ્યો હતો.

મુંબઇને જીતાડ્યુ હતુ આઇપીએલ 2017નુ ટાઇટલ

ડેબ્યૂ ના એક જ વર્ષમાં કૃણાલ પંડ્યાએ મુંબઇને ચેમ્પિયન બનાવવા માટે જબરદસ્ત મદદ કરી હતી. 2017માં તેણે આઇપીએલ ની ફાઇનલ મેચમાં રાઇઝીંગ પુણે સુપર જાયન્ટ સામે 38 બોલમં 47 રનની ઇનીંગ રમી હતી. મુંબઇ તે મેચમાં એક રન થી જીત્યુ હતુ. આઇપીએલમાં કમાલ કરવાને લઇને ટીમ ઇન્ડીયા તરફ થી પણ કૃણાલને નિમંત્રણ આવ્યુ હતુ. પ્રથમ તેણે T20 ટીમમાં સ્થાન મેળવ્યુ હતુ. વેસ્ટઇન્ડીઝ સામે 2018 નવેમ્બરમાં તેણે ડેબ્યૂ કર્યુ હતુ. પ્રથમ મેચમાં જ ચાર ઓવરમાં 15 રન આપીને એક વિકેટ મેળવી હતી. સાથે જ બેટીંગમાં નવ બોલમાં ત્રણ ચોગ્ગા વડે અણનમ 21 રન બનાવીને ભારતને જીત અપાવી હતી.

T20 બાદ હવે વન ડે માટે તૈયારી

વેસ્ટઇન્ડીઝ સામે ડેબ્યૂ કર્યા બાદ કૃણાલ અત્યાર સુધીમાં 18 આંતરરાષ્ટ્રીય T20 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 121 રન બનાવ્યા છે. બોલીંગમાં તેણે 14 વિકેટ ઝડપી છે. તે આઇપીએલ અને બાકીની ઘરેલુ T20 મેચોમાં તેણે 1524 રન બનાવીને 89 વિકેટ ઝડપી છે. મુંબઇ ઇન્ડીયન્સનુ તે હવે અભિન્ન અંગ બની ચુક્યો છે. હાલમાં જ તેણે વિજય હજારે ટુર્નામેન્ટમાં બરોડા માટે ખૂબ રન બનાવ્યા હતા. આ ખેલના દમ પર જ તેનો ઇંગ્લેંડ સામેની વન ડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પણ તેણે દમદાર અર્ધ શતક લગાવ્યુ છે.