વડોદરા, તા.૨૩ 

વૈશ્વિક કોરોના વાઇસરની મહામારીની દહેશત વચ્ચે વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં કાઢવામાં આવી હતી. જય જગન્નાથ અને હરેરામ ... હરે કૃષ્ણના નાદ સાથે મંદિરના સંતો મહંતો ઉપરાંત શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જાડાયા હતાં. મંદિર પરિસરની બહાર ભગવાનના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી નિકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં નિકળી હતી. ભગવાન જગન્નાથજી, માઇ બલરામજી અને બહેન સુભદ્રાજીના દર્શનાર્થે મોટી સંખ્યાં ભક્તો મંદિર ખાતે ઉમટ્યા હતાં. મેયરે પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. જાકે શ્રદ્ધાળુઓએ મંદિરની બહારથી જ ભગવાનના દર્શન કર્યા હતાં. સવારે મેયર સહિત અગ્રણીઓએ ભગવાનની આરતી ઉતારી હતી. ત્યાર બાદ મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

નિઝામપુરામાં રોબોરથયાત્રા યોજાઇ

નિઝામપુરા એમ.જી.નગર ખાતે રહેતા જયમકવાણા અને મિત્રો દ્વારા વર્ષ ૨૦૧૪થી અનોખી રોબો રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે પરિવારના પાંચ સભ્યો રોબોટ ચાલક, અને બે મિત્રોની ઉપસ્થિત ઘરના આંગણામાં જ રોબો રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોબાઇલના બ્લ્યુટુથ સાથે કનેક્ટ કરીને રથ ચલાવવામાં આવ્યો હતો. અને માસ્ક પહેરીને તમામ રથયાત્રામાં ઉપસ્થિત રહ્યાં હતાં.