રાજકોટ, ગોંડલ રામજી મંદિર ખાતે હરિચરણદાસજી મહારાજ બ્રહ્મલીન થયા છે. ગોંડલ આશ્રમ ખાતે તેમણે બ્રહ્મ મુહૂર્તમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હરી ચરણદાસજી મહારાજે અંતિમ શ્વાસ લેતા રઘુવંશી સમાજ સહિતના સમાજમાં શોકની લાગણી વ્યાપી છે. થોડા સમય પહેલાં જ બાપુને સો વર્ષ સોમો જન્મદિન હતો. સો વર્ષના શતાબ્દી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આવતીકાલે ગોરા આશ્રમ ખાતે બાપુની અંતિમવિધિ કરવામાં આવશે. ગત સપ્તાહે ગોરા આશ્રમથી હરિચરણદાસજી મહારાજ ગોંડલ પધાર્યા હતા. ગોંડલ આશ્રમ ખાતે તેમના રૂમમાં જ આઇસીયુ યુનિટ ઉભો કરવામાં આવ્યો હતો ગોંડલ આશ્રમ ખાતે તેમના દીર્ધાયુ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. હરિચરણદાસજી મહારાજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારા સહિતના વ્યક્તિઓના ગુરુ છે. સાંજે ચાર વાગ્યા સુધી ભક્તો ગોંડલ ખાતે અંતિમ દર્શન કરી શકશે. હરિચરણદાસજી મહારાજનું જીવન ભક્તિની સાથોસાથ લોક સેવાના કાર્યોમાં પણ જાેડાયેલું હતું. ગોંડલ આશ્રમની બાજુમાં જ તેમણે હોસ્પિટલ બનાવડાવી હતી. ગત સપ્તાહે હરિચરણદાસજી મહારાજના અનન્ય સેવકે પણ દેહ ત્યાગ કર્યો હતો. હનુમાનજીના પરમ ઉપાસક ત્યાગી સીતારામ બાપુએ દેહ ત્યાગ કર્યો હતો. નર્મદાના કિનારે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી. ત્યાગીજી સીતારામદાસજી મહારાજ છેલ્લા ૨૫ વર્ષોથી હરિચરણદાસજી બાપુ સાથે રહેતા હતા. પૂ.ત્યાગીજી મહારાજે ગત સપ્તાહે સવારે સાડા ત્રણથી ૪ વાગ્યાની વચ્ચે ગોરા આશ્રમ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. દેહ ત્યાગના બે-ત્રણ દિવસ પ્રુવે ત્યાગીજી મહારાજે હરિચરણદાસજી મહારાજને કહ્યું હતું કે, હું જાઉં છું. તો સાથે જ ૧૦૮ કુંડી રામયજ્ઞ ગોંડલમાં કરાવવાની વાત હરિચરણદાસજી મહારાજને કરી હતી. ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુ પર અનન્ય શ્રધ્ધા ધરાવે છે. ચેતેશ્વર પુજારા ગોંડલના રામજી મંદિરની મુલાકાત લઇને તેમના આશીર્વાદ લે છે. ઘણો લાંબો સમય જાનકી કુંડ તથા ચિત્રકૂટમાં વિતાવ્યા બાદ ૧૯૫૪માં ગુરુદેવ ગોંડલ આવ્યા અને પૂજ્ય રણછોડદાસજી બાપુના આદેશથી રામ મંદિરની ગાદી સંભાળી. ત્યારબાદ ગોંડલની ધરા પર સેવાનો અવિરત યજ્ઞ શરૂ થયો, ત્યારથી લઇ આજ સુધી તેમના સેવાયજ્ઞની ફોરમ ગોંડલ જ નહીં પરંતુ ગુજરાતના સીમાડા વટાવી ચૂકી છે. ગોરા ખાતે આદિવાસી બાળકો માટે શાળા, હરીધામ આશ્રમ ઋષિકેશ ખાતે અન્નક્ષેત્ર અને સ્વાસ્થ્ય શિબિરો ચાલે છે. શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલ જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાપુએ સેવા પ્રસરાવી છે. પૂજ્ય હરિચરણદાસજી મહારાજનો જન્મ બિહારનાં ચંપારણ્ય જિલ્લામાં એક બ્રાહ્મણ કુળમાં થયો હતો. કહેવાય છે કે, પુત્રનાં લક્ષણ પારણાંમાં એમ ગુરુદેવને નાનપણથી જ સંસાર પ્રત્યે માયા ન હોવાથી ગૃહત્યાગ ખૂબ નાની વયે જ કર્યો હતો.