વલસાડ : વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખની વિવાદમાં રહેલી ચૂંટણી આજે ત્રીજા પ્રયત્ને શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ છે. અને પારડી નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસ ના ત્રણ સભ્યોના સમર્થન થી ભાજપના હસુભાઈ રાઠોડ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન પટેલ વિજેતા થતાં ભાજપ એ ફરી એક વખત સત્તા હાંસલ કરી છે.આમ ભાજપના ઉમેદવારો ૧૭ વિરુધ ૧૧ મત થી વિજેતા થયા હતા. 

મહત્વપૂર્ણ છે કે ગત ૨૪ ઓગસ્ટના રોજ પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં નિયત સમયમર્યાદામાં ભાજપ કે કોંગ્રેસ દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ના પદ માટે ઉમેદવારી નહીં નોંધાવતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાર બાદ ગઈ કાલે ફરી વખત યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં આવેલા કોંગ્રેસના સભ્યો પણ પરત કોંગ્રેસની છાવણીમાં બેસી ગયા હતા. આથી પારડી નગરપાલિકાની ગઈકાલે યોજાયેલી સભામાં મારામારી અને ઝપાઝપી ના દ્રશ્ય સર્જાતા ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. આજે સતત ત્રીજી વખત પારડી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા.