વડોદરા : હરણી રોડ પર આવેલા સંવાદ ક્વાટર્સમાં રહેતા બુટલેગરે દારૂનો ધંધો બંધ કરી દીધું હોવા છતાં તેને ફરીથી દારૂનો ધંધો ચાલુ કરવાનું જણાવીને તેની પાસેથી ૨૦,૦૦૦ રૂપિયાની લાંચની માગણી કરનાર વારસિયા પોલીસ મથકા વિવાદાસ્પદ હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલિયાને એસીબીની ટીમે છટકું ગોઠવીને લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.

હરણીરોડ પર ધવલ ચાર રસ્તા પાસે જેપીવાડી બાગની સામે રહેતા રાકેશ બાબુભાઈ રાજપુત થોડાક સમય અગાઉ દેશી દારૂનો ધંધો કરતા હતા પરંતુ કેટલાક સમયથી તેમને દારૂનો ધંધો કરી દીધો છે. તે અગાઉ દારૂનો ધંધો કરતા હતા હોઈ તેમની પાસેથી કેટલાક પોલીસ જવાનો નિયમિત રીતે ભરણ લઈ જતા . જાેકે પોલીસના ભરણની રકમ વધી જતા રાકેશ છેલ્લા કેટલાક સમયથી દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. તે દારૂનો ધંધો ચાલુ રાખે પોતાનું ભરણ ચાલુ થાય તેવા આશયથી વારસિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશ કરસનભાઈ ગુડલિયા (હાલ પ્રતાપનગર હેડક્વાટર્સ મુળ બલાળાગામ, તા.ચુડા, સુરેન્દ્રનગર) વારંવાર રાકેશના ઘરે જઈ તેની પાસે દારૂનો ધંધો શરૂ કરવાનું કહી તેની પાસે ૨૦ હજારની લાંચની માગણી કરતો હતો. ધંધો બંધ હોવા છતાં હેડ કોન્સ્ટેબલ જગદીશ ખોટી રીતે લાંચની માગણી કરીને હેરાનગતિ કરતા હોય તેના ત્રાસથી કંટાળેલા રાકેશે આ અંગેની એસીબીમાં ફરિયાદ કરી હતી જેના પગલે હેકો અત્રેની કચેરીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક કે વી લાકોડના સુપરવિઝન હેઠળ ૨૯ તારીખે છોટાઉદેપુર એસીબીના પી.આઇ ડી જી રબારી તેમજ સ્ટાફ સાથે હેડ કોન્સ્ટેબલ જગદીશ ગોંડલીયા ને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું.

છટકા મુજબ ૨૯ તારીખના રાત્રે આઠ વાગ્યે હેડ કોન્સ્ટેબલ જગદીશ ફરિયાદી રાકેશના ઘરની સામે આવેલા મેદાનમાં આવ્યો હતો અને તેણે રાકેશ પાસેથી લાંચ પેટે રોકડા ૨૦,૦૦૦ રૂપિયા સ્વીકાર્યા હતા. જગદીશે પૈસા લીધા હોવાનો ઇશારો થતાં જ આસપાસમાં ગોઠવાયેલા એસીબીના જવાનોએ તુરંત હેકો જગદીશને લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડયો હતો. પોતે એસીબીના છટકામાં ઝડપાયો હોવાની જાણ થતાં એક તબક્કે જગદીશ બળપ્રયોગ કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો તેમજ એસીબીના સ્ટાફ સાથે ગેરવર્તન પણ કરી હતી. જાેકે એસીબીના સ્ટાફે તેને કોઈ મચક ન આપી તેની ધરપકડ કરી કરી હતી. પોલીસે આજે પ્રતાપનગર ખાતે તેના ઘરે સર્ચ કરી હતી પરંતું ત્યાંથી કોઈ વાંધાજનક ચીજ કે દસ્તાવેજ મળ્યા નહોંતા. આજે જગદીશને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરાઈ હતી પરંતું રિમાન્ડ નામંજૂર થતાં તેને જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલભેગો કરવામાં આવ્યો હતો.

જગદીશે મીડિયાકર્મીની સામે તોડ કરેલો છતાં પોલીસ અધિકારીઓએ ભીનું સંકેલ્યું

વારસિયાનો હેકો જગદીશ ચારેક વર્ષ અગાઉ પણ વારસિયા પોલીસ મથકમાં ફરજ બજાવતો હતો. દરમિયાન મોડી રાત્રે હરણી વારસીયા રોડ પર પંચશીલ એપાર્ટમેન્ટ પાસેના પોઈન્ટ પર તેણે નશો કરેલી હાલતમાં બાઈક સવાર બે યુવકોને ઝડપી પાડયા હતા.આ બંને યુવકોને તેણે કેસ કરવાની દમદાટી આપ્યા બાદ બંને યુવકોના મિત્રોને ફોન કરીને ઘટનાસ્થળે બોલાવ્યા હતા અને કેસ નહી કરવા બદલ તેણે જાહેરમાર્ગ પર જ નાણાં ખંખેરીને નશેબાજ યુવકોને મિત્રો સાથે રવાના કર્યા હતા. આ સમગ્ર ઘટના નજીક ઉભેલા શહેરના બે પ્રિન્ટમિડિયાના પત્રકારોની નજર સામે બનતા તેઓએ આ ઘટનાનો એહેવાલ માધ્યમોમાં પ્રકાશિત કર્યો હતો અને આ બનાવને જે તે સમયના તત્કાલીન પોલીસ અધિકારી લીના પાટીલે તપાસના આદેશ પણ કર્યા હતા. જાેકે પોતાના ખાતાના માણસને બચાવવા માટે જે તે સમયે આ કેસમાં ભીનુ સંકેલી દેવાતા જગદીશને લુંટફાંટનો ખુલ્લો દોર મળ્યો હતો.