નોર્વે:

કોરોના વાયરસ વિરુદ્ધ દુનિયાભરના અનેક દેશોમાં લોકોને રસી મૂકવામાં આવી રહી છે. પરંતુ આ બધા વચ્ચે ફાઈઝર રસી અંગે સવાલ ઉઠવા લાગ્યા છે. કારણ કે નોર્વેમાં સાઈડ ઈફેક્ટ બાદ 13 લોકોના મોત થયા છે.

રશિયન સમાચાર એજન્સી સ્પૂતનિકના રિપોર્ટ મુજબ નોર્વેજીયન મેડિસિન એજન્સીએ કહ્યું કે 29 લોકોમાં સાઈડ ઈફેક્ટ જોવા મળી છે જ્યારે રસી અપાયા બાદથી અત્યાર સુધીમાં 23 લોકોના મોતને રસીકરણ સાથે જોડવામાં આવી રહ્યા છે. જો કે અત્યાર સુધી તેમાંથી ફક્ત 13 દર્દીઓની જ તપાસ થઈ છે. એજન્સીના મેડિકલ ડાઈરેક્ટર સ્ટેનાર મેડસેન એ દેશના રાષ્ટ્રીય પ્રસારક એનઆરકે સાથે વાતચીતમાં કહ્યું કે, '13 મોતમાંથી 9 ગંભીર સાઈડ ઈફેક્ટના કેસ છે.' 

નવા વર્ષથી 4 દિવસ અગાઉ નોર્વેમાં ફાઈઝર રસી મૂકવાની શરૂઆત થઈ હતી અને 67 વર્ષના સવિન એન્ડરસનને પહેલી રસી અપાઈ હતી. ત્યારબાદથી અત્યાર સુધીમાં 33 હજાર લોકોને રસી મૂકાઈ છે. રસીકરણની શરૂઆત સાથે જ જાહેરાત કરી દેવાઈ હતી કે કેટલાક લોકોને સાઈડ ઈફેક્ટ થશે. 

સરકારનું કહેવું છે કે જે લોકો બીમાર છે અને વૃદ્ધ છે તેમના માટે રસી ઘણી જોખમી બની શકે છે. મૃતક ૨૩ લોકોમાંથી ૧૩ લોકોનાં મોત રસીના કારણે જ થયા હોવાની પુષ્ટી થઈ ગઈ છે. અન્ય લોકોના મોતની તપાસ ચાલી રહી છે. નોર્વેમાં રસીકરણ પછી મરનારા વૃદ્ધોમાં મોટાભાગનાની વય ૮૦થી વધુ છે અને તેમાંથી કેટલાક તો ૯૦ વર્ષથી વધુ વયના છે. આ બધા જ વૃદ્ધોના મોત નર્સિંગ હોમમાં થયા છે. 

નોર્વેજિયન મેડિસિન એજન્સી મુજબ અત્યાર સુધીમાં ૧૩ લોકોના મૃત્યુનાં પરિણામો સામે આવ્યા છે, જેમાં જણાવાયું છે કે સામાન્ય દુષ્પ્રભાવે બીમાર, વૃદ્ધોમાં ગંભીર રીએક્સન કર્યું હતું. નોર્વેજિયન ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થનું કહેવું છે કે જે ઘણા વૃદ્ધ છે અને લાગે છે કે તેમના જીવનનો થોડોક જ સમય બાકી છે તેવા લોકોને રસીનો લાભ કદાચ જ મળી શકે અથવા મળે તો ઘણો ઓછો મળવાની સંભાવના છે. બીજીબાજુ રસીની આડ અસરના ૨૯ કેસ પણ સામે આવી ચૂક્યા છે.