વડોદરા : સમગ્ર શહેરમાં દિવસે દિવસે કોરોનાના કેસોની અને મૃતકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.ત્યારે કોરોનાની મહામારીને લઈને પ્રજાના આરોગ્ય સાથે ચેડા થાય એવી તમામ બાબતો પર પાલિકાનું આરોગ્ય ખાતું બાજ નજર રાખી રહ્યું છે. એમાંય જ્યા કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી છે.એવી શહેરની હોસ્પિટલોમાં આવેલ કેન્ટીનો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાતના વડોદરા સહિતના જિલ્લાઓના પણ દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. જેને ધ્યાનમાં લઈને આરોગ્ય વિભાગની વિવિધ ત્રણ ટીમો દ્વારા સયાજી હોસ્પિટલમાં આવેલ ખાનગી કેન્ટીનો ઉપરાંત મેડિકલ કોલેજ સહિતની આઠ જેટલી કેન્ટિનોમાં સાગમટે દરોડાનો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં વિવિધ કેન્ટિનોમાં વપરાતા અલગ અલગ પ્રકારના લોટો ઉપરાંત શાકભાજી,મરી મસાલા, તૈયાર નાસ્તાઓ, ટાળવાને માટે તેમજ અન્ય ખાદ્ય પદાર્થો બનાવવાને માટે વપરાતા તેલ વગેરેના નમૂનાઓ એકત્ર કરીને પૃથ્થકરણને માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ ઉપરાંત સફાઈ અને અન્ય બાબતોને લઈને પણ સૂચનાઓ અપાઈ છે.