વડોદરા : વડોદરાની કોવિડની સ્થિતિ અંગે તાગ મેળવવાને માટે એક દિવસની ટૂંકી મુલાકાતે આવેલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સહ આરોગ્ય મંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી નીતિન પટેલે આખો દિવસ મીંટીંગોનો દોર ચલાવીને જવાબદાર તમામ અધિકારીઓની સ્થાનિક નેતાઓની હાજરીમાં પરેડ લીધી હતી. જેમાં ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ સામે આંખ આડા કાન કરતા તંત્રને આડે હાથે લઈને કડક પગલાં લેવાને માટે આદેશ કર્યા હતા. જેને લઈને રાજ્યના નર્મદા રાજ્ય મંત્રી યોગેશ પટેલે કોરોનાના પ્રારંભ કાળમાં જ ઉઘાડી લૂંટ ચલાવતી ખાનગી હોસ્પિટલો સામે પુનઃ મુહીમ ચલાવવાની કરેલી જાહેરાતને સમર્થન મળ્યું હતું. આ ઉપરાંત રાજ્યમાં હાલમાં લોકડાઉન કરવાની શક્યતાઓને તેઓએ નકારી દીધી હતી. એ સિવાય નીતિ૯ન પટેલ દ્વારા સંખ્યાબંધ જાહેરાતો કરવામાં આવી હતી.જેમાં રાજયની ખાનગી હોસ્પિટલો કોરોનાના દાખલ દર્દીઓને ખોટા બિલો બનાવી બિનજરૂરી રીતે વધુ સમય દાખલ રાખી નાણા વસુલવાનો પ્રયાસ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરાશે એવી મુખ્ય જાહેરાત ઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમની રચના કરાઈ છે.જે ટીમો તમામ ખાનગી હોસ્પિટલોની મુલાકાત લઈ અભ્યાસ કરશે અને ગેરરીતી જણાશે તો એપેડેમીક એકટ હેઠળ કડક કાર્યવાહી કરશે. રાજયમાં હાલ કોઈ લૉકડાઉનની આવશ્યકતા જણાતી નથી.પરંતુ કોર કમિટીમાં ચર્ચા બાદ જરૂરીયાત મુજબ યોગ્ય સમયે યોગ્ય ર્નિણય કરાશે. રાજયના મહાનગરોમાં જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમા વધુ સરકારી પથારીઓ રીઝર્વ કરવા મ્યુનિસીપલ કમિશ્નર અને જિલ્લા કલેટરોને સત્તા અપાઈ છે. રાજયમાં પૂરતા પ્રમાણમાં રેમડિસીવરના ઈન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ છે.તેમજ સરકારે વધુ ૫૦ હજાર વાયલનો ઓર્ડર આપી દીધો છે. વડોદરા શહેરમાં વિધાનસભા વિસ્તાર દીઠ બબ્બે કેમ્પ શરૂ કરી કોરોનાના ટેસ્ટીગની કામગીરી કરાશે. આ ઉપરાંત ચાર અતિથિગૃહ ખાતે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાશે. ૪૫ વર્ષથી ઉપરના નાગરિકોને વેકસીન લેવા અપીલ કરીને તેઓએ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીગ સહિતના તમામ પ્રોટોકોલનો ચુસ્ત અમલ કરવા પ્રજાને અનુરોધ કર્યો છે. આમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરા ખાતે કોરોના સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. તેઓએ અન્ય રાજયોમાંથી ગુજરાતમા આવતા નાગરિકોનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટીવ હશે તેને જ પ્રવેશ આપવાનો ર્નિણય પણ રાજય સરકારે કર્યો છે જેનો અમલ પણ ૧લી તારીખથી શરૂ કરી દેવાયો છે એમ ઉમેર્યું હતું. તેમણે જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે આજે કેટલાક ર્નિણય કરવામાં આવ્યા છે જે મુજબ વડોદરા શહેરમાં ધન્વંતરી રથ દ્વારા સમગ્ર શહેરમાં ૨૦૦ ટીમો દ્વારા વિવિધ ઝોન વોર્ડમાં નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે.આ ઉપરાંત દરેક વિધાનસભા બેઠક દીઠ બે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવશે અને નાગરિકોના એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. વડોદરા શહેરમાં અત્યાર સુધીમાં ગોત્રી હોસ્પિટલમાં ૫૭૫ તેમજ સયાજી હોસ્પિટલમાં ૬૨૫ બેડ ઉપલબ્ધ છે. વડોદરા શહેરમાં બે રાજ્ય સરકારની ૧૬ ખાનગી સહિત કુલ ૧૮ લેબોરેટરીમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સરકારી લેબમાં વિનામૂલ્યે જ્યારે ખાનગી લેબમાં સરકારે નિયત કરેલા દરે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું .વડોદરા શહેર જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ખુબ જ વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે વડોદરા જિલ્લો સમગ્ર રાજ્યમાં રસીકરણમાં બીજા ક્રમે છે તેમ જણાવતાં તેમણે ઉમેર્યું કે વધુ એક લાખ ડોઝ વડોદરા જિલ્લાને ફાળવવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં વડોદરા શહેર- જિલ્લામાં આઠ લાખ જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેરના ૩૪ જેટલા હેલ્થ સેન્ટરોમાં રસીકરણની કામગીરી વ્યાપક પ્રમાણમાં થઈ રહી છે અને રસીકરણ ઝુંબેશને વધુ વ્યાપક બનાવવા શહેરમાં વધુ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબેન ભટ્ટ, મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા, આરોગ્ય સચિવ શિવહરે, ધારાસભ્યો, ખાસ ફરજ પરના અધિકારી ડો. વિનોદ રાવ, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ હાજર રહ્યા હતા.

અનેકને ભૂખ્યા-તરસ્યા રહેવાનો વારો આવ્યો

નાયબ મુખ્યમંત્રીની આજની શહેરની મુલાકાત ટાણે અધિકારીઓ, કર્મચારીઓ મીડિયા કર્મચારીઓને સવારથી સાંજ સુધી ભૂખ્યા-તરસ્યા ટળવળવું પડયું હતું જેમાં પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે આવા વીવીઆઈપીની મુલાકાત સમયે સર્કિટ હાઉસ ખાતે બધા માટે જમવાની વ્યવસ્થા હોય છે પરંતુ પાલિકાતંત્ર દ્વારા માત્ર ર૦ લોકો માટે જ જમવાની વ્યવસ્થા કરવા માટે સર્કિટ હાઉસમાં જાણકારી અપાઈ હતી. કોરોનાનું બહાનું હોય તો જમવાની વ્યવસ્થા અલગ અલગ રૂમોમાં રાખી શકાય એમ હોવા છતાં અન્યોને ભૂખ્યા-તરસ્યા રખાયા હતા. હવે જાેવાનું એ રહે છે કે આ મુલાકાતના બિલમાં જમવા પાછળ કેટલો ખર્ચ દર્શાવાય છે.

મેયરને કોરોના પોઝિટિવ આવે આઠ દિવસ થવા છતાં મિટિંગમાં હાજર રહેતાં કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો

વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા આઠ દિવસ અગાઉ જ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમ છતાં તેઓ સવારથી સાંજ સુધી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની મીટીંગમાં હાજર રહેતા કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ તેઓ જ્યારે હજુ કોરોનાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય થયા નથી ત્યારે કેવી રીતે મીટીંગમાં હાજરી આપી શકે ?એમ જણાવી આ મીટિંગમાંથી કોઈ કોરોના સંક્રમિત થાય તો એને માટે નેતાઓ જ જવાબદાર ગણાશે એમ કોંગ્રેસના નેતાઓએ ઉમેર્યું હતું.