ભાવનગર-

ગુજરાતના ગામોને કોરોના મુક્ત કરવા ૧ લી મે ગુજરાત સ્થાપના દિવસથી પ્રારંભ થયેલા મારૂં ગામ કોરોનામુક્ત ગામના રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતના ગામડાઓની કોરોના સ્થિતિ કાબૂ બહાર ગઈ છે. અનેક ગામડાઓમાં સંક્રમણ ફેલાવાથી અને પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં કાળોકેર જાેવા મળી રહ્યો છે. ચોગઠ ગામમાં છેલ્લા ર૦ દિવસમાં આશરે ૯૦ થી વધુ લોકોના મૃત્યુ નિપજયા હોવાનું કહેવાય છે.

માંડ ૧૪ હજારની વસ્તી ધરાવતા ઉમરાળા તાલુકાના ચોગઠ ગામમાં હાલ ઘરે ઘરે બિમારીના ખાટલા હોવાનુ જાણવા મળ્યું છે. ચોગઠ ગામમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે અને ઘણા લોકોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેથી ગામમાં હાલ ફફડાટ જાેવા મળી રહ્યો છે. સાથે જ મોતનો આંકડો ડરાવનો છે. માત્ર ૨૦ દિવસમા ૯૦ જેટલા મોત થયા હોવાનું કહેવાય છે. તેથી હાલ સ્મશાનમાં લાકડા પણ ખાલી થવા આવ્યા હોવાનુ ચર્ચાય રહ્યુ છે. આથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. કહેવાય છે કે, ગામમાં દરરોજ ૭-૮ મોત થઈ રહ્યાં છે. છેલ્લા ૨૫ દિવસથી ગામમાં આ જ માહોલ છે. ગામમાં એક પણ દિવસ એવો નથી ગયો કે, સ્મશાનમાં રાખ બૂઝી હોય. લોકોની નજર સામે મોતનું તાંડવ રચાઈ રહ્યું છે. છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવી નથી રહ્યાં. આથી લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળ્યા છે. લોકો જાતે જ નિયમોનું પાલન કરી રહ્યાં છે. ગુજરાત સરકારના પ્રોજેક્ટ અંતર્ગત પણ અહી કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યુ નથી. ગામમાં ખરાબ સ્થિતી હોય ત્યારે રાજકીય લોકો મદદે પણ આવતા ન હોવાનુ ચર્ચાય રહ્યુ છે.