કોલકત્તા-

પશ્ચિમ બંગાળમાં ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણી પહેલા નારદા સ્ટિંગ ઑપરેશને ઘણું જ જાેર પકડ્યું હતુ. ૨૦૨૧માં વિધાનસભા ચૂંટણી થઈ અને મમતા બેનર્જીની ફરીવાર સરકાર બની. આ દરમિયાન સીબીઆઈએ તૃણમૂલ કાૅંગ્રેસ સરકારના મંત્રી ફિરહાદ હાકિમ અને સુબ્રત મુખર્જી ઉપરાંત ટીએમસી ધારાસભ્ય મદન મિત્રા અને પૂર્વ બીજેપી નેતા સોવન ચેટર્જીની ધરપકડ કરી છે. આ તમામની વચ્ચે મમતા બેનર્જી પણ સીબીઆઈ ઑફિસ પહોંચી ગયા છે. ટીએમસીના કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ૨૦૧૬ની વિધાનસભા ચૂંટણીથી પહેલા નારદ સ્ટિંગ ટેપ સામે આવવાથી રાજકીય જગતમાં ખળભળાટ મચી ગયો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે તેને ૨૦૧૪માં બનાવવામાં આવી હતી અને આમાં ટીએમસીના મંત્રી, સાંસદ અને ધારાસભ્યો જેવા દેખાતા વ્યક્તિઓને એક કાલ્પનિક કંપનીના પ્રતિનિધિઓ પાસેથી કેશ લેતા જાેવા મળ્યા હતા. સ્ટિંગ ઑપરેશન કથિત રીતે નારદ ન્યૂઝ પોર્ટલના મેથ્યૂ સેમ્યુઅલે કર્યું હતુ. આ કેસ કોલકાતા હાઈકોર્ટ પહોંચ્યો. માર્ચ ૨૦૧૭માં કૉર્ટે સ્ટિંગ ઑપરેશનની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો. સીબીઆઈ અને ઈડીએ આ કેસની તપાસ શરૂ કરી હતી.

પશ્ચિમ બંગાળમાં ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીથી પહેલા તૃણમૂલ કાૅંગ્રેસના અનેક નેતા સીબીઆઈ અને ઈડીની તપાસની રડાર પર હતા. નવેમ્બર ૨૦૨૦માં ઈડીએ નારદા સ્ટિંગ ઑપરેશનમાં પૂછપરછ માટે ટીએમસીના ૩ નેતાઓને નોટિસ મોકલીને ડૉક્યુમેન્ટ્‌સ માંગ્યા હતા. આમાં મંત્રી ફરહાદ હાકિમ, હાવડા સાંસદ પ્રસૂન બંદોપાધ્યાય અને પૂર્વ મંત્રી મદન મિત્રાની આવક અને ખર્ચનો હિસાબ માંગ્યો હતો. ઈડીએ સીબીઆઈની ફરિયાદના આધારે કથિત મની લૉન્ડ્રિંગમાં ૧૨ નેતાઓ અને એક આઈપીએસ ઉપરાંત ૧૪ અન્ય લોકોની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ૧૩ લોકોમાં મદન મિત્રા, મુકુલ રૉય (અત્યારે બીજેપીમાં), સૌગત રૉય, સુલતાન અહમદ (૨૦૧૭માં નિધન), ઇકબાલ અહમદ, કાકોલી ઘોષ દસ્તીદાર, પ્રસૂન બંદોપાધ્યાય, સુવેંદુ અધિકારી (અત્યારે બીજેપીમાં), સોવન ચેટર્જી (બીજેપી છોડી), સુબ્રત મુખર્જી, ફિરહાદ હાકિમ, અપરૂપા પોદ્દાર અને આઈપીએસ સૈયદ હુસૈન મિર્ઝાનું નામ સામેલ હતુ. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની વિધાનસભા ચૂંટણીમાં સુવેંદુ અધિકારીએ મમતા બેનર્જીને નંદીગ્રામથી હરાવી દીધા. ત્યારબાદ તેમને બીજેપીએ નેતા વિપક્ષ બનાવ્યા છે.