ગાંધીનગર-

‘તાઉ તે’ વાવાઝોડાની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં ૧૦ ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. જાે કે, આગામી બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, ૨૧ મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ૫ ડિગ્રીની આસપાસ ગરમીનો પારો વધી શકે છે. વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકડાટથી લોકો પરેશાન થશે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ તેમજ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદમાં ખાબકેલા ૬ ઇંચ જેટલા વરસાદ અને ભારે પવનોથી ઠંડકમાં વધારો થયો હતો. જેને પગલે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૧૦.૨ ડિગ્રી ગગડીને ૩૧.૭ ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન ૪.૯ ડિગ્રી ગગડીને ૨૨.૨ ડિગ્રી નોંધાયુું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ સાથે ઠંડકનું પ્રમાણ વર્તાયુું હતું. આગામી બે દિવસો દરમિયાન વાદળિયું વાતાવરણ રહેશે, ત્યારબાદ ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા છે.