આણંદ : ગુજરાતની રૂપાણી સરકારમાં લોકતંત્રના પ્રતિનિધિઓનું ઉપજતું નહીં હોય!? શું સરકારી બાબુઓનું વધારે ઉપજે છે? આવો સવાલ અમે નથી પૂછતાં આણંદ જિલ્લામાં ચર્ચાઈ રહ્યો છે! તમને યાદ હોય તો થોડાં દિવસ આગાઉ જ ધારાસભ્યો કેતન ઈમાનદાર, મધુ શ્રીવાસ્તવ અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સરકાર પર આરોપ મૂકતા કહ્યું હતું કે, ગુજરાતમાં અધિકારીઓનું જ રાજ ચાલે છે. આ વાત હજુ વિસારાઈ નથી ત્યાં આણંદ જિલ્લામાં પણ ફજેતી જેવો માહોલ ઊભો થયો છે!  

સૂત્રોના જણાવ્યાં મુજબ, ભાજપના બે મોટા નેતાઓ તેમજ જિલ્લા પ્રમુખ દ્વારા એક પીએસઆઇની બદલી જેવી મામૂલી રજૂઆતને ગાંધીનગરે કોરાણે મૂકી દેતાં આ તમામ નેતાઓ મપાઈ ગયાં હતાં. બે માસ આગાઉ સંકલન સમિતિની બેઠક દરમિયાન આણંદના સાંસદ  મિતેષભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલની  સંયુક્ત સહી સાથેનો એક લેટર રાજ્યના ગૃહ વિભાગને મોકલવામાં આવ્યો હતો. તા.૧૮ જુલાઈ, ૨૦૨૦ના રોજ લખાયેલાં આ પત્રમાં ઉમરેઠના પીએસઆઇ પી.કે.સોઢાની અન્ય જગ્યાએ બદલી કરવાની માગ સાથે આણંદના એમપી, ઉમરેઠના એમએલએ તેમજ આણંદ જિલ્લા ભાજપ પ્રમુખે ગૃહ વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી. આ વાતને સાડાત્રણ માસ ઉપરાંતનો સમય વીતવા છતાં પીએસઆઇની બદલી થતી નથી!

બીજી તરફ આ પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં લોકોના મોંઢે એક જ વાત સાંભળવા મળી રહી છે, જેમાં લોકો કહે છે - આ તો મપાઇ ગયાં! બીજી તરફ આણંદના સ્ઁ, સ્ન્છનું રૂપાણી સરકારમાં ઉપજતું નથી, તેવાં કટાક્ષ પણ સોશિયલ મીડિયામાં થઈ રહ્યાં છે. આવાં લખાણ સાથેની વાઇરલ પોસ્ટથી ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવું કહેવાઈ રહ્યું છે કે, રાજ્યમાં લોકપ્રતિનિધિઓ કરતાં બ્યુરોક્રેટ્‌સનું વધુ ઉપજે છે. અને તેનું કારણ પણ એવું અપાઈ રહ્યું છે કે, ઉમરેઠના પીએસઆઇની બદલીને રોકવા આણંદ જિલ્લાના એક પોલીસ અધિકારી ખાસ રસ લઈ રહ્યાં છે. ચર્ચાઓ તો ત્યાં સુધી થઈ રહી છે કે, આ અધિકારીના  છેડા છેક ઉપર સુધી અડે છે, તેથી એમપી, એમએલએ અને પાર્ટીના જ જિલ્લા અધ્યક્ષની લેખિત રજૂઆતોને કોરાણે મૂકી દેવાઈ છે.