ભરૂચ : ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા બાદ ઊભા પાકને ભારે નુકસાન થયા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા, ઉચેડીયા, મોટાસાંજા, ગોવાલી, મુલદ, અવિધા સહિતના કાંઠા વિસ્તારોમાં હજારો હેકટર જમીનમાં વાવેતર કરાયેલ કેળનો પાક સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોવાનુ ખેડૂતો જણાવી રહ્યા છે. 

સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા ઝઘડિયા તાલુકાના નાના વાસણાથી લઇ મુલદ સુધીના નર્મદા કાંઠા વિસ્તારમાં નર્મદામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. ચારથી વધુ દિવસ પાણી કાંઠા વિસ્તારની સીમોમાં ભરાઈ રહ્યા હતા ત્યારબાદ પાણી ઉતરતા વધુ બે દિવસ લાગ્યા હતા. નર્મદાના પૂરના પાણી ઓસર્યા બાદ કાંઠા વિસ્તારના તમામ નીચાણવાળા ખેતરોમાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે. રાણીપુરા, ઉચેડિયા અને મોટાસાંજા નર્મદા કિનારાની સીમમાં મુખ્યત્વે કેળનો પાક થાય છે. કેળના પાકમાં ખેડૂતોને ખર્ચ પણ ખૂબ જ આવે છે. તેવા સમયમાં કેળનો પાક નીચાણવાળા ખેતરોમાં સંપૂર્ણ નષ્ટ થઈ જતા ખેડૂત આવનારા ત્રણ ચાર વર્ષ સુધી ઉભો થઈ શકે એમ લાગતું નથી.