ઉત્તર પ્રદેશ-

ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં બુધવારે મોડી રાતથી મુસલાધર વરસાદ પડી રહ્યો છે. રાજધાની લખનઉ સહિતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકથી ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. જુદા-જુદા શહેરોમાં મકાન ધરાશાયી અને દિવાલ ધરાશાયી થવાને કારણે અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘણા ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

વરસાદના કારણે લખનઉના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તા પાણીમાં ડૂબી ગયા હતા અને રેલવે ટ્રેક ડૂબી જવાને કારણે અન્ડરપાસ બંધ હતા. આ સાથે કોઇ વિસ્તારોમાં વીજળી તૂટી ગઈ હતી. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં વીજ આપૂર્તિ ઠપ્પ થઈ ગયો છે.

જૌનપુરના સુજાનપુરા વિસ્તારમાં અવિરત વરસાદને પગલે દીવાલ ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બારાબંકીના રામસેનેહી ઘાટ વિસ્તારમાં આવી જ એક ઘટના બની હતી, જેમાં બે લોકોના મોત થયા હતા. જ્યારે કૌશાંબી, અયોધ્યા અને સીતાપુરમાં પણ મોત નોંધાયા છે. જોકે, વરસાદને કારણે સમગ્ર રાજ્યમાં મૃતકોની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાણી નથી શકાઈ.

હવામાન વિભાગનું કહેવું છે કે આ જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે. તેમાં, લગભગ દસ જિલ્લાઓમાં ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. આકાશીય વીજળી સાથે ભારે વરસાદ પડશે. અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે ૨૬ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.

પૂર્વીય વિસ્તારો માટે રેડ એલર્ટ જારી કરતા ભારતીય હવામાન વિભાગએ ગુરુવારે અને શુક્રવારે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની ભાવિષ્યવાળી કરી છે. રાજ્યની રાજધાની લખનૌમાં બુધવારે સવારે અને ગુરુવારે સવારની વચ્ચે ૧૧૫ મિમી વરસાદ નોંધાયો હતો.

હવામાનશાસ્ત્રીઓએ કહ્યું છે કે હાલમાં કોઈ રાહત નહીં મળે. ગંભીર પરિસ્થિતિને જોતા લખનૌ પોલીસે એક એડવાઇઝરી બહાર પાડીને લોકોને બહાર ન આવવા અને ભીડ-ભીડ વાળા સ્થળોએ જવાનું ટાળવાનું કહ્યું છે.