ગાંધીનગર-

ગુજરાત ના દરિયા કિનારે પોરબંદર અને નલીયા માં તા.18 મી એ બપોરના સમયે વાવાઝોડું ત્રાટકશે અને ભારે વરસાદ ની આગાહી વચ્ચે સરકારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે.ભારત સરકારના ગૃહમંત્રાલયમાં આવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિવીઝન-નેશનલ ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના જણાવ્યા અનુસાર 6 કલાકમાં વાવાઝો઼ડાની તીવ્રતા વધે તેમ છે. આગામી 24 કલાકમાં વાવાઝોડું વધુ મજબૂત બનશે અને ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. હાલમાં તે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ વેરાવળથી 930 કિલોમીટર દૂર છે. જે 18 મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પોરબંદર અને નલીયા આસપાસ બપોરના સમયે ત્રાટકશે.

વાવાઝોડાની અસરને પગલે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા વિસ્તારમાં તારીખ 16મીથી જ હળવા કે મધ્યમ ઝાપટા - વરસાદ પડશે, તો 17મી તારીખે ગીર સોમનાથ જુનાગઢના કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે.તારીખ 18મીના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર જેમ કે, પોરબંદર, દેવભુમી દ્વારકા, જામનગર અને કચ્છમાં અતિભારે વરસાદ પડશે અને દરિયા કિનારે 120થી 150 કીમી પ્રતિ કલાકની ઝઢપે પવન ફુકાઇ શકે છે. વાવાઝોડાનાં પગલે દરુિયાઇ સીમાવર્તી વિસ્તારના માછીમારોને દરિયો ન ખેડવા જણાવાયુ છે.દરમ્યાન ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતેની હાલની સ્થિતિ અને આ વાવાઝોડાના સામના માટેની રાજ્ય સરકારની સજ્જતાની સંપૂર્ણ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે. મુખ્યમંત્રીશ્રીએ ઝીરો કેઝ્યુઆલીટીના એપ્રોચ સાથે વહીવટી તંત્રને તમામ તૈયારીઓ કરવા સૂચના આપી છે. દરિયામાં માછીમારી માટે ગયેલા માછીમારો તત્કાલ સુરક્ષીત પરત ફરે તેવી વ્યવસ્થાઓ સુનિશ્વિત કરવા સંબંધિત જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ છે.