ગાંધીનગર-

બંગાળની ખાડીમાં લો-પ્રેશરની અસર તળે કાલથી ત્રણ દિવસ રાજયભરમાં મેઘમહેરની સંભાવના કરવામાં આવી છે. ઉતર-ગુજરાતથી રાજસ્થાન સુધી સર્જાયેલ સાયકલોનીક સરકયુલેશન અને બંગાળની ખાડીમાં આવતીકાલથી આકાર પામનાર લો-પ્રેશરથી આગામી ત્રણ દિવસ રાજય સહિત સૌરાષ્ટ્રભરમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. અગાઉ હવામાન વિભાગે ઓગસ્ટ માસથી વરસાદ શરૂ થવાની આગાહી કરી હતી જોકે હવે લો-પ્રેશર સર્જાતા આવતીકાલ બપોર બાદ ત્રણ દિવસ મેઘમહેર થાય તેવી સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે તેવી આગાહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ લો-પ્રેશર વધુ મજબુત બનીને ઓરિસ્સા, મધ્યપ્રદેશ ઉપર થઈને સિસ્ટમ રાજયભરમાં વરસાદ વરસાવશે. બંગાળની ખાડીમાં સર્જાનાર લો-પ્રેશર ધીમે-ધીમે ઉત્તર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધીને ગુજરાત તરફ આવશે જેનાં કારણે વરસનાર વરસાદનાં કારણે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય-પૂર્વ ગુજરાતમાં વરસાદ વરસશે. 

હવામાન વિભાગની આગાહી મુજબ તા.૪, ૫ અને ૬ ઓગસ્ટે રાજયભરમાં વરસાદનું જોર વધશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે સાથે ઉતર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ ૫ ઓગસ્ટે અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સક્રિય થતા રાજયમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.