ગાંધીનગર-

તા.12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૃચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ-ચાર દિવસથી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થયો હતો. પરંતુ હજુ 42 ટકા વરસાદની ઘટ વર્તાઈ રહી છે. રાજ્યમાં સિઝનનો એવરેજ વરસાદ 831 મી.મી. એટલે કે, 33.24 ઈંચ વરસાદ પડે છે જેની સામે મંગળવાર સવારના આઠ વાગ્યા સુધીમાં રાજ્યમાં 481.39 મી.મી. એટલે કે, 19.25 ઈંચ વરસાદ થયો છે, જે કુલ વરસાદના 58 ટકા વરસાદ થાય છે.