અંબાજી : અંબાજી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી રાત્રીના વરસાદ વરસતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક સોસાયટીમાં રસ્તાના ધોવાણ થયા છે.ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.હાલમાં એક તરફ કોરોનાની મહામારીનો ભય છે ત્યાં પાણી ભરાયેલા વિસ્તારવાળા લોકોને પાણીજન્ય રોગનો ભય સતાવી રહ્યો છે. અંબાજીની આઠ નંબરની સોસાયટીમાં ભરાયેલા પાણીનાપગલે રાહદારી તો ઠીક પણ વાહનચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનું કહી રોષ ઠાલવી રહ્યા છે. દર ચોમાસામાં પાણી ભરાવાની આ વિકટ પરિસ્થિતિ અહીં સજાતી હોય છે.રોષે ભરાયેલા લોકોએ અંબાજીના ઉપસરપંચ બળદેવભાઈ પટેલને ઘટના સ્થળે લાવી પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો. જેને લઈ ઉપ સરપંચ બળદેવભાઈ પટેલે આ પાણીનો પ્રશ્ન ચાર - પાંચ દિવસમાં હલ કરી દેવા ખાત્રી આપી હતી.હાલમાં જ્યાથી પાણી જતું હતું ત્યા બાંધકામ થઈ જતા આ પરિસ્થિતિ સર્જાઇ છે.