પાદરા: પાદરા, વડુ પંથકમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરૂ થતાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આખી રાત રીમઝીમ વરસાદ ચાલુ રહેતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં તેમજ જનજીવન પર માઠી અસર પડી રહી હતી.  

પાદરા-વડુ પંથકના વિસ્તારમાં ગત રાતથી શરૂ થયેલ વરસાદ આજે પણ અવિરત ચાલુ રહ્યો હતો. જાે કે, બપોર પછી વરસાદનું જાેર ઘટતાં વહીવટીતંત્રે હાશકારો અનુભવ્યો હતો. પાદરામાં ગત રાત્રિથી વહેલી સવાર સુધીમાં ૧૨ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે વહેલી સવારથી બપોર સુધીમાં ૭૩ મિ.મી. વરસાદ નોંધાયો હતો. આમ કુલ ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો, જે મોસમનો કુલ વરસાદ ૧૨ કલાક સુધીમાં ૯૩૬ મિ.મી. નોંધાયો છે. વરસાદના પગલે પાદરાના ટાવર રોડ, પાતળિયા હનુમાન રોડ, જૂના એસટી ડેપો રોડ, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં જેનાથી લોકોને અવરજવર માટે તેમજ વેપારીઓ-ધંધાર્થીઓને મોટી અસર પડી હતી.પાદરા-જાસપુર રોડ પર આવેલ પાણી ભરાતાં ફરી એક વખત આ વિસ્તારોમાં આવતા તમામ ૧પ જેટલા ગામોનો સંપર્ક તૂટી જવા પામ્યો હતો. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની હાલત દયનીય બની હતી તેમજ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી પાદરા શહેર સહિતના વિસ્તારોમાં ગઈકાલથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું. ગત રાત્રિ વરસાદી ઝાપટાં પડયાં હતાં. આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થઈ ગયું હતું. વરસાદ પડતાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતાં લોકોને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો હતો.વહેલી સવારથી સતત વરસાદના પગલે પાદરાના મુખ્ય બજાર, ચોકસી બજારના જ્વેલર્સની પણ મોટાભાગની દુકાનો બંધ રહી હતી.