ડાંગ-઼

રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં હાલનાં તબક્કે સપ્ટેમ્બર મહિનામાં એક એક દિવસનાં વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે. જેમા બુધવારે બપોર બાદ ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબીર, લવચાલી, પીપલાઈદેવી, સિંગાણા વહીવટી મથક આહવા, બોરખલ, સાપુતારા, શામગહાન સહીત પૂર્વપટ્ટી તેમજ સરહદીય ગામડાંઓમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતાં સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબીર, વહીવટીમથક આહવા સહિત સાપુતારા પંથકનાં ગામડાઓમાં થોડા સમય માટે ધોધમાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. તેમજ સુબીર પંથકમાં બુધવારે દોઢ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગીરા અને પૂર્ણા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. 

ડાંગ જિલ્લાનાં આહવા, સુબીર સહિત સાપુતારા પંથકમાં થોડા સમય માટે ખાબકેલા ધોધમાર વરસાદનાં પગલે પૂર્ણા અને ગીરા નદી બન્ને કાંઠે વહેતી થઈ હતી. જ્યારે આહવા અને સાપુતારા પંથકમાં જંગલ વિસ્તારનાં કોતરડા અને વહેળાઓમાં પાણીની આવક વધી હતી. જ્યારે વઘઇ પંથકનાં ગામડાઓમાં ઝરમરીયો વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે બુધવારે વરસાદી મહોલની વચ્ચે ગાઢ ધૂમમ્સીયા વાતાવરણની સફેદ ચાદર છવાઇ રહેતા અહીનાં સમગ્ર જોવાલાયક સ્થળોનાં દ્રશ્યો અનુપમ બન્યા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 13 mm, વઘઇ પંથકમાં 10 mm, સાપુતારા પંથકમાં 18 mm, જ્યારે સૌથી વધુ સુબીર પંથકમાં 38 mm અર્થાત 1.56 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.