અમદાવાદ-

પ્રવાસનને વિકસાવવા સ્થાપત્યોના સમારકામ, સ્વચ્છતા અને સુંદરતાની જરૂર છે. શહેરના ગોમતીપુરમાં સુલતાન અહમદ શાહે પોતાની મા બીબીજી માટે ઝૂલતા મિનારા સ્થાપત્ય તૈયાર કરાવ્યું હતું. ઇ.સ.1430 દરમિયાન તૈયાર કરવામાં આવેલા આ ઐતિહાસિક સ્થળોની ઉપરના ભાગે ચઢતાં જ ઝૂલતા હોય એવો અહેસાસ થાય છે. ઝૂલતા મિનારાની એ વખતની કળા કારીગરી પર અંગ્રેજો સહિત ઘણાં તજજ્ઞોએ અભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત હજૂ પણ પુરાતત્વના વિશેષજ્ઞ લોકો મિનારા પર મનોમંથન કરે છે.

શહેરમાં હિન્દુ, મુસ્લિમ, જૈન અને પાશ્ચાત્ય સંસ્કૃતિની અનેક વિરાસત આવેલી છે. એમાંય સૌથી આકર્ષક ઝૂલતા મિનારા સારંગપુર અને ગોમતીપુર વિસ્તારોમાં આવેલા છે. ગોમતીપુરના મિનારાનો એક ભાગ વર્ષોથી જર્જરિત છે. આ મિનારાને ધરતીકંપમાં નુકસાન થયું હતું. જેથી તેનું સમારકામ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ દેશ-દુનિયામાં નામના પામેલી આ અજાયબી જેવા સ્થાપત્ય વધુ ક્ષતિગ્રસ્ત ના થાય એ માટે ઝડપી સમારકામની જરૂર છે.

ઝૂલતા મિનારા સહિતની હેરિટેજની મોટાભાગની જગ્યાઓ હાલ ગીચ વિસ્તારોમાં આવેલી છે. ગોમતીપુરના મિનારામાં ગુંબજને તાત્કાલિક સમારકામની જરૂર છે. હાલ વરસાદનું પાણી ના ઉતરે, એ માટે તાડપત્રી ઢાંકવામાં આવી છે. મિનારા, થાંભલા અને કોતરણીની જાળવણી પુરાતત્વ વિભાગની આગવી શૈલી અને સાધનો દ્વારા જ થઇ શકે એમ છે. અત્યારે પુરાતત્વ વિભાગના માહિતી આપતા પથ્થર પણ તુટેલી હાલતમાં પડ્યા છે. આ ઉપરાંત અમદાવાદની અનેક ઐતિહાસિક ઇમારતોની આસપાસ ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે.