ટોક્યો-

દક્ષિણ જાપાનના ઓકિનાવા દ્વીપો તરફ એક મોટું વાવાઝોડુ 'હૈશેન'આગળ વધી રહ્યું છે, જેના કારણે ભારે પવન અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. જાપાનના હવામાન વિભાગ અનુસાર, આ વાવઝોડુ જાપાનમાં તબાહી મચાવી શકે છે. 198 કિમીની ઝડપે ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે અને સુનામી જેવા વિશાળ મોજા ઉછળવાની શક્યતા છે. જેના પગલે સરકારે 22 હજાર સૈનિકોને તૈનાત કરી દીધાં છે.

સપ્તાહમાં બીજી વખત જાપાન પર વાવાઝોડાની આફત મંડરાઈ રહી છે. સરકારે લોકોને હાઈ એલર્ટ રહેવાની ચેતાવણી આપી છે. પ્રશાસન દ્વારા લોકોને ઘરમાં રહેવા અને ખાવા પીવાની સામગ્રી એકત્રિત કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આ વાવાઝોડુ રવિવારે અને સોમવારે જાપાનના દ્વીપો સાથે ટકરાવાની શક્યતા છે. વાવાઝોડાના કારણે 198 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાવાનું અનુમાન છે, જેના કારણે દક્ષિણી-પશ્ચિમી જાપાનમાં લગભગ 100 ઉડાન શનિવારે રદ્દ કરવામાં આવી છે.