વડોદરા-

શહેરના ફતેગંજ પોલીસ મથકમાં જ મોતને ઘાટ ઉતારાયેલ શેખ બાબુના મામલામાં હાઈકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયેલા સીઆઈડી ક્રાઈમના ઉચ્ચ અધિકારીએ હજુ તપાસ માટે વધુ સમયની માગ કરતાં જ અદાલતે અધિકારીઓ ઉધડો લઈ ઝાટકણી કાઢી હતી. ૧૫ દિવસને બદલે ર૩ તારીખે તપાસ અંગેનો વિગતવાર રિપોર્ટ સાથે હાજર રહેવા આદેશ કર્યો હતો.ગત ડિસેમ્બર મહિનામાં પૂછપરછ માટે ફતેગંજ પોલીસ મથકે લવાયા બાદ શેખ બાબુની હત્યા કરી દેવાઈ હોવાની ફરિયાદ વડોદરા પોલીસે નોંધી હતી. જેમાં આરોપી તરીકે તે સમયના પીઆઈ ડી.બી.ગોહિલ, પીએસઆઈ રબારી અને અન્ય ચાર પોલીસ જવાનોના નામ હતા. જાે કે, ફરિયાદ નોંધાતાં જ બધા આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને અદાલતમાંથી આગોતરા જામીન મેળવવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ એમાં સફળતા નહીં મળતાં પોલીસ સમક્ષ હાજર થયા હતા. એ અગાઉ મૃતક શેખ બાબુના પરિવારજનોએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી જેમાં વડીઅદાલતનો આદેશ થતાં વડોદરા પોલીસને ફરિયાદ નોંધવી પડી હતી. જાે કે, તેમ છતાં શેખ બાબુના મૃતદેહ અંગે કોઈ સ્પષ્ટતા નહીં થતાં આ તપાસ વડોદરા પોલીસ પાસેથી લઈ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી. ૧૪ દિવસના રિમાન્ડ દરમિયાન પણ કોઈપણ પ્રકારની માહિતી આરોપીઓ પાસેથી કઢાવી નહીં શકતાં અંતે આ તમામ આરોપીઓ જેલભેગા થયા હતા. 

હાઈકોર્ટમાં યોજાયેલી હેબિયર્સ કોપર્સની સુનાવણી દરમિયાન સીઆઈડી ક્રાઈમના ગિરીશ પંડયાએ તપાસના રિપોર્ટ માટે વધુ સમયની મુદત માગતાં કોર્ટે એનો ઈનકાર કરી તા.ર૩મીએ સંપૂર્ણ અહેવાલ સાથે ઉપસ્થિત કડક સૂચના આપી હતી. દરમિયાન મૃતક શેખ બાબુના પરિવારજનો પણ વકીલ ઈમ્તિયાઝ કુરેશી મારફતે આ મામલામાં સીબીઆઈ કે સીટની રચનાની માગ કરશે એમ પુત્ર સલીમ શેખે જણાવ્યું હતું.