અમદાવાદ, તા.૪ 

રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોના વચ્ચે ખાનગી સ્કૂલોની બેફામ ફી ઉઘરાવવાની મેલી મુરાદ અને શિક્ષણ વિભાગની ઢીલી નીતિ સામે આવી રહી છે, ત્યારે લોકડાઉન સમયથી બંધ કરવામાં આવેલી સ્કૂલો હજુ શરૂ થઈ શકી નથી. જેને પગલે હાલ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્ય્šં છે. જેની વચ્ચે ખાનગી શાળા સંચાલકો બેફામ ફી ઉઘરાવી રહ્યા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી અરજી પર આજે સુનાવણી યોજાઈ હતી. શાળા સંચાલકો દ્વારા બેફામ ફી ઉઘરાવવા મામલે હવે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટની મદદ માંગી છે. સરકારે રજૂઆત કરી છે કે શાળાના સંચાલકો ફી અંગે સમાધાન કરવા તૈયાર નથી. ગુજરાત હાઈકોર્ટ બેફામ ફી મામલે સંચાલકો સામે નિર્દેશ જારી કરે. આ મામલે હાઈકોર્ટ આગામી શુક્રવારે નિર્દેશ જારી કરી શકે છે.

આ પહેલા ખાનગી શાળા સંચાલકો ટ્યુશનની સાથે બધી જ ફી ઉઘરાવતા હોવાથી સરકારે રોક લગાવી હતી, તેની સામે સંચાલકો હાઈકોર્ટમાં જતાં કોર્ટે પણ માત્ર ટ્યુશન ફી જ લેવા અને તેના માટે શિક્ષણ વિભાગ અને સંચાલકોએ સાથે બેસીને ર્નિણય કરવાનો આદેશ કર્યો હતો, હાઇકોર્ટના ૫ ઓગસ્ટના આદેશ બાદ ૧૫ દિવસ સુધી શિક્ષણ વિભાગ કે સંચાલકો સાથે કોઈ બેઠક કરવામાં આવી નહોતી. જાે કે ત્યાર બાદ શિક્ષણ મંત્રી અને સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં રાજ્ય સરકારે તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓની ફીમાં ૧૫થી ૨૫ ટકા સુધીની ફી માફી આપવાની દરખાસ્ત મૂકી હતી. જેને ખાનગી સ્કૂલ સંચાલકોએ ફગાવી દીધી છે. જેથી ફીના મામલે પ્રથમ બેઠક નિષ્ફળ નિવડી હતી. હાઇકોર્ટના આદેશ બાદ શિક્ષણ વિભાગ અને સંચાલકો વચ્ચે ૧૫ દિવસ બાદ બેઠક મળી હતી. તેમાં પણ સંચાલકોએ પુરેપૂરી ફી લેવાની જીદ પકડી રાખતા શિક્ષણમંત્રી અને અધિકારીઓ બિચારા બનીને બેસી રહ્યા હતા અને બેઠકમાં કોઈ ર્નિણય લેવાયો નહીં. એટલે એવું કહી શકાય કે સંચાલકોની દાદાગીરી સામે સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામવાને બદલે આવા કેટલાક સ્કૂલ સંચાલકોના વશમાં આવી ગઈ હતી. ખાનગી શાળા સંચાલકોએ સરકારને એવી ઓફર કરી હતી કે, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ફી ઓછી કરવાની તૈયારી છે. પરંતુ તમામે તમામ વિદ્યાર્થીઓને ફીમાં રાહત આપવા સહમત નથી.