અમદાવાદ-

લૉકડાઉનના સમયગાળામાં જે વિદ્યાર્થીઓએ વૈક્લિપક સુવિધા/પ્રવૃતિઓનો લાભ લીધો છે એ માટે ફીની જોગવાઈ કરવામાં આવી છે. મતલબ જે શાળાઓ સેવા આપતી નથી એ શાળા કોઈપણ પ્રકારની ફી વસૂલી શકશે નહી. કોરોનાના કપરા સમયને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક વર્ષ 2020-21 માટે ખાનગી શાળાઓ ફી વધારો કરી શકશે નહી. ધોરણ 1થી 8માં અભ્યાસ કરતાં બાળકોને શાળા હાંકી કાઢી શકશે નહીં.

ફી મામલે વાલીઓને રાહત આપતા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે સ્કુલ ફી મામલે વાલીઓને મોટી રાહત આપી છે. સ્કૂલો નહિ ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો સ્કુલ ફીની માંગણી નહિ કરી શકે તેવું હાઈકોર્ટે જણાવ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સ્કુલ સંચાલકો બેફામ ફી ઉઘરાવતા સામે હાઇકોર્ટે ફટકાર લગાવી છે. જ્યાં સુધી શાળા શરૂ ન થાય ત્યાં સુધી ફી માટે શાળાઓ વાલીઓને દબાણ નહિ કરી શકે. સ્કૂલ તરફથી ફી ભરવા પર દબાણ ન કરે તો ડીઈઓ પગલાં લેવાના રહેશે. કોરોનાના કપરા કાળમાં વિદ્યાર્થીઓની ફી ભરવા સ્કૂલો દ્વારા દબાણ થતા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. 

નોંધનીય છે કે, લૉકડાઉનના સમય દરમિયાન પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા ફી ઉઘરાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેની સામે ગુજરાત વાલી મંડળ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે રાજ્ય સરકારને વાલીઓ અને શાળાઓ વચ્ચે મધ્યસ્થી બની નિણર્ય લેવાનો આદેશ કર્યો હતો. જો કે, વાલીઓને બોજો ન થાય તેવો નિણર્ય લેવાની તાકીદ પણ કરી હતી. હાઈકોર્ટે 30મી જૂન સુધી વાલી ફી ન ભરે તો વિદ્યાર્થીનું એડમિશન રદ ન કરવાનો આદેશ કર્યો હતો.શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ઈતર પ્રવૃતિઓ માટે ફી વસૂલી શકાશે નહીં. જાહેરહિતની અરજીમાં માગ કરવામાં આવી છે કે, કોરોના લૉકડાઉનને લીધે ધંધોવેપાર બંધ હોવાથી એપ્રિલ અને મે મહિનાના ઓનલાઈન અભ્યાસની ફી ખાનગી શાળાઓ દ્વારા માફ કરવામાં આવે અથવા આ બે મહિનાની માત્ર સ્કૂલ ફી જ વસૂલવામાં આવે.