વડોદરા, તા.૨૪ 

શહેરના ફતેગંજ પોલીસ મથકે પૂછપરછ બાદ ગુમ થયેલા શેખ બાબુના પરિવારજનોએ હાઈકોર્ટમાં દાખલ કરેલી હેબિયર્સ કોપિયર્સની વડી અદાલતે ગંભીર નોંધ લઈ આગામી તા.૬ જુલાઈએ પોલીસ મથકમાંથી જ ગુમ થયેલી વ્યક્તિને હાજર કરવા અને ૧૦મી ડિસેમ્બરથી ૩૧ માર્ચ સુધીના સીસીટીવી ફુટેજ તેમજ અત્યાર સુધીની થયેલી દરેક તબક્કાની તપાસ-નિવેદનો હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની સૂચના આપી છે. જેના પગલે શેખ પરિવારને હવે ન્યાયની આશા ઊભી થઈ છે. બીજી તરફ ફતેગંજ પોલીસની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, આ મામલે હત્યાનો ગુનો પણ નોંધાઈ શકે એમ હોવાનું જાણકારોનું માનવું છે.

તેલંગાણાના રહેશી બાબુ શેખ નિશાર અમદાવાદ ખાતે રહેતા હતા અને વડોદરા ટ્રેન મારફતે આવી સાઈકલ ઉપર ફેરી ફરતા હતા. ગત તા.૧૦મી ડિસેમ્બરના રોજ એસ.ટી. ડેપો પાસેથી ફતેગંજ પોલીસ મથકના ત્રણ ડી સ્ટાફ જવાનોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, ત્યાર બાદ તેઓ ગુમ થયા હતા. પરિવારજનોએ વારંવાર વડોદરા આવીને કરેલી તપાસ દરમિયાન ફતેગંજ પોલીસે એમને જણાવ્યું હતું કે, શેખ બાબુને પૂછપરછ માટે લાવ્યા હતા પરંતુ બાદમાં એમને છોડી દેવાયા હતા. પરંતુ એમનું નિવેદન લીધું કે નહીં, કયા ગુનામાં પૂછપરછ માટે લવાયા હતા એની વિગતો હજુ સુધી પરિવારજનોને અપાઈ નથી. પુત્ર સલીમે પિતા શેખ બાબુ સ્ટેશને ઉતરીને ડેપોની બાજુમાં આવેલી જગદીશ ફરસાણ ઉપર નાસતો કરતાં અને ત્યાંથી બે બાઈક પર આવેલા પોલીસ જવાનો એમને પૂછપરછ માટે લઈ જતાં સીસીટીવી ફુટેજ મેળવ્યા બાદ સયાજીગંજ પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ યોગ્ય તપાસ નહીં થતાં ફતેગંજ પોલીસ મથકે આરટીઆઈની અરજી કરવામાં આવી હતી જેનો યોગ્ય જવાબ નહીં આપતાં શેખ પરિવારે પોલીસ કમિશનરને રૂબરૂમાં રજૂઆત કરતાં ઉચ્ચ પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી.

અત્યાર સુધી એસીપી પરેશ ભેંસાણિયા, એસીપી સંદીપ ચૌધરી તેમજ ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ પણ આ મામલે ફતેગંજ પોલીસ મથકમાં પીઆઈ બીપીએસઆઈ અને છ જવાનોના નિવેદનો લીધા હતા. પરંતુ તપાસ કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી. એસીપી એ ડિવિઝનના પાટીલે પણ આમાં તપાસ કરી હતી. થાકેલા હારેલા શેખ પરિવારે અંતે પિતાને શોધવા હાઈકોર્ટમાં હેબિયર્સ કોપિયર્સ દાખલ કરતાં વડીઅદાલતે વડોદરા પોલીસને તપાસના કાગળો સાથે બુધવારે હાજર રહેવાની સૂચના આપી હતી જેના પગલે ઉતાવળે બધા કાગળો શોધવાની કવાયતમાં ફતેગંજ પોલીસ લાગી હતી.

આજે હાઈકોર્ટમાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી.અંજારિયા સમક્ષ શેખ પરિવારના વકીલ ઇમ્તિયાઝ કુરેશીએ પોલીસ મથકમાંથી જ શેખ બાબુ ગુમ થયા હોવાનો આખો મામલો રજૂ કરતાં હાઈકોર્ટે વડોદરા પોલીસને સૂચનાઓ આપી હતી.

અદાલતે ભારપૂર્વક જણાવ્યું છે કે, ફતેગંજ પોલીસ સ્ટેશનની ડાયરીમાં નોંધ છે કે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ સાંજના ૭.રપ સુધી શેખ બાબુની હાજરી પોલીસ મથકમાં જ છે તો ત્યાર બાદ એમનું શું થયું અને ક્યાં ગયા, આગામી તા.૭મી જુલાઈએ વડોદરા પોલીસને ગુમ થયેલા શેખ બાબુને હાજર કરવા આદેશ આપ્યો છે અને જા હાજર ના કરી શકે તો એના સ્પષ્ટ કારણો અદાલત સમક્ષ મૂકવા તાકીદ કરી છે. આ ઉપરાંત વડોદરા પોલીસે શેખ પરિવારને હજુ સુધી સહકાર કેમ આપ્યો નથી એ બાબતે નારાજગી પણ કોર્ટે વ્યક્ત કરી છે. પુત્ર સલીમ દ્વાર વડોદરા પોલીસ મથકે પિતા ગુમ થયાની ફરિયાદ બાદ એ ડિવિઝન એડિશનલ કમિશનરે કરેલી ઈન્કવાયરીની વિગતો નિવેદનો અને એના પણ સીસીટીવી ફુટેજની અદાલતે માગણી કરી છે. જ્યારે તા.૧૦મી ડિસેમ્બર અંગે આસપાસની દુકાનદારો અને રહીશો ઉપરાંત ફતેગંજ પોલીસ સ્ટેશનમાં હાજર દરેકના સાંજના સાડા સાત પછીના ઘટનાક્રમ અંગે નિવેદનો લેવાની પણ અદાલતે સૂચના આપી છે. હાઈકોર્ટે એમ પણ જણાવ્યું છે કે શેખ બાબુ ગુમ થયાના બનાવમાં ફતેગંજ પોલીસ મથકના સીસીટીવી ફુટેજની તપાસ કેમ કરાવી નથી? એવો સવાલ ઉઠાવી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. આમ, હાઈકોર્ટના કડક વલણને લઈ વડોદરા પોલીસ માટે હાઈકોર્ટમાં જવાબ આપવો અઘરો થઈ પડશે, ત્યારે પોલીસબેડામાં એવી પણ ચર્ચા છે કે અંતે આ મામલો હત્યાનો નીકળે તો નવાઈ નહીં!