મહેસાણા : મહેસાણા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીમાં સરકાર દ્વારા ભાજપના ૫ સભ્યોની કરાયેલી નિયુક્તિ સામે કોંગી સભ્ય હાઇકોર્ટમાં ગયા હતા. જે કેસ મંગળવારે ચાલી ગયો હતો. જેમાં કાયદાકીય રીતે સરકારે રચેલી કમિટી માન્ય રાખતો ચુકાદો આવતાં ભાજપ ગેલમાં આવી ગયો હતો. કોંગ્રેસ માટે ચુકાદો આંચકારૂપ રહ્યો હતો.નગરપાલિકામાં સરકારના નોટીફીકેશન મુજબ ટીપી કમિટીની અઢી વર્ષ માટે રચના કરવાની જગ્યાએ કોંગ્રેસના શાસનમાં એક વર્ષ માટે રચના કરી હતી.જેમાં કમિટી મુદ્દત નિયમોનુસાર ન કરાય ત્યાં સુધી કમિટી અમલવારી મોકૂફ રાખવાનો પ્રાદેશિક કચેરીએ આદેશ કર્યો હતો.  

આ દરમ્યાન ફેબ્રુઆરીથી જૂન ૨૦૧૯ સુધી બાંધકામ પરવાનગીઓ ટીપીમાં ઓનલાઇન મોડથી આપવાની છૂટછાટ અપાયેલી, જેમાં ૨૦૪ અરજી નોંધાઇ હતી. પરંતુ ટીપી કમિટી અસ્તિત્વમાં ન હોઇ અરજીઓ અટવાયેલી રહેતાં પાલિકા અધિકારીએ પ્રાદેશિક કચેરીએ અહેવાલ કર્યો હતો. બાદમાં સરકાર દ્વારા ભાજપમાંથી ચૂંટાયેલા પાલિકાના પાંચ સભ્યોની ટીપી કમિટી બનાવી દેવાઇ હતી.જેમાં ચેરમેન તરીકે જનક બ્રહ્મભટ્ટ સહિત પાંચની નિમણૂંક કરાઇ હતી. સરકારના આ આદેશ સામે તત્કાલિન પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ હાઇકોર્ટમાં ૨૫ ઓક્ટોબર, ૨૦૧૯એ કેસ દાખલ કર્યો હતો.આ ઉપરાંત, સરકારે પાલિકામાં આજે કારોબારીના કામો થઇ શકે તેમ નથી, એટલે ભાજપ પાસે પણ ચૂંટાયેલા ૧૪, પાલિકાના ઉપપ્રમુખને ગણતરીમાં લઇને ભાજપમાં ભળેલા ૬ કોંગી મળી ૨૦ સભ્યો થાય છે. ભાજપની બેઠકમાં કામો સભામાં મંજૂર કરાવવાનો તખ્તો તૈયાર કરાયો હતો.