વડોદરા : પી.સી.બી.એ ઝડપી પાડેલા બોગસ માર્કશીટ કૌભાંડના મુખ્ય સુત્રધાર વિક્કી સરદારની જામીન અરજી હાઇકોર્ટમા પણ નામંજૂર થઇ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. જેલમાં રહી અગાઉ અત્રેની અદાલતમાં મુકેલી જામીન અરજી નામંજૂર થયા બાદ વિક્કી સરદારે વકીલ મારફતે રાજ્યની વડી અદાલતમાં રેગ્યુલર જામીન મુકી હતી. જેને અદાલતે નામંજૂર કરી છે.  

પી.સી.બી. દ્વારા અદાલત સમક્ષ રજૂ કરાયેલા વિગતોમાં વિક્કી સરદારનો ગુનાહીત ભુતકાળ રજૂ કરાયો હતો. જેમાં બોગસ માર્કશીટ ઉપરાંત અગાઉ હત્યા અને બાળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં વિક્કી સરદારની સંડોવાણી હોવા ઉપરાંત બોગસ માર્કશીટ કાંડનો મુખ્ય સુત્રધાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ક્રિકેટ મેચના સટ્ટાના દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીના મોબાઇલમાંથી બોગસ માર્કશીટનું આખુ કૌભાંડ બહાર આવ્યું હતું.

જેનો છેડો વિક્કી સરદાર સુધી પહોંચ્યો હતો. સિક્કીમમાં વીલીયમ કેરી યુનિવર્સિટીના સંચાલકો પૈકીનો એક વિક્કી સરદારની સામે અગાઉ કરોડો રૂપિયાની છેતરપિંડી અને જામીનની શરતોના ઉલ્લંઘનનો પણ ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે તેમ છતાં વગના જાેરે અત્યાર સુધી કાયદાના પંજાથી દુર રહેલા વિક્કી સરદાર હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે અને બહાર આવવા માટે તરફળીયા મારતો હોવાનું કહેવાય છે.