નિરજ પટેલ / વડોદરા તા.૧૯ 

શહેરના ફતેગંજ પોલીસ મથકના ચકચારી કસ્ટોડિયલ ડેથના ગંભીર ગુના અંગે હાઈકોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ હેબિયર્સ કોપિયર્સ દાખલ થઈ છે. પોલીસ મથકે લવાયા બાદ ગુમ થયેલા શેખ બાબુ શેખના પરિવારજનોએ વડોદરા પોલીસને પિતાને શોધવા કરેલી માગ પ્રત્યે યોગ્ય સહકાર નહીં અપાયો હોવાનું પણ વડીઅદાલતે નોંધી વડોદરા પોલીસને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી છે. બીજી તરફ પિતા શેખ બાબુ શેખની પોલીસ મથકમાં જ હત્યા કરાઈ હોવાની રજૂઆત પુત્ર શેખ સલીમે કરી છે.

અગાઉ આ મામલે છેક તેલંગાણાથી અત્રે આવેલા શેખ બાબુ શેખના પરિવારજનો જેમાં એમની પત્ની, પુત્ર, પુત્રવધૂ સહિત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને મળ્યા હતા અને પોતાના પરિવારજનોને રેલવે સ્ટેશન પાસેથી ફતેગંજ પોલીસ મથકના ડી-સ્ટાફના બે જવાનો પૂછપરછ માટે લઈ ગયા હતા. ત્યાર બાદથી એટલે કે તા.૧૦મી ડિસેમ્બરથી તેઓ ગુમ છે એવી રજૂઆત કરતાં ચોંકી ઊઠેલા પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસ કરવાનો આવેશ આપ્યો હતો, પરંતુ ત્યાર બાદ લાકડાઉન થતાં તપાસ ખોરંભે પડી હતી.

દરમિયાન ફતેગંજ પોલીસ મથકમાંથી ગુમ થયેલા બાબુ નિશારના પુત્રે વકીલ મારફતે રાજ્યની વડીઅદાલતમાં હેબિયર્સ કોપિયર્સ દાખલ કરી હતી. વકીલ મારફતે કરાયેલી આ રજૂઆતમાં જણાવ્યું હતું કે, શેખ બાબુ શેખ ઉર્ફે રહીમ શેખ વજીર (ઉં.વ.૬પ)ના હતા જે તા.૧૦મી ડિસેમ્બર, ૨૦૧૯થી લાપતા છે. અમે આ અંગે વારંવાર ફતેગંજ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને અમારા પિતા વિશે જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ફતેગંજ પોલીસ ચોરીની સાઈકલ બાબતે પૂછપરછ માટે લાવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. પરંતુ ત્યાર બાદ શું થયું એનો જવાબ આપતા નથી.

ફતેગંજ પોલીસ મથકે લવાયા બાદ અમારા પિતા ગુમ થયા એ ખૂબ જ ગંભીર બાબત હોવા છતાં ફતેગંજ પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે. લેખિતમાં માગેલી માહિતીનો આજદિન સુધી કોઈ જવાબ અપાયો નથી અને રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ કરાયેલી અરજીનો પણ કોઈ જવાબ અપાયો નથી એમ હાઈકોર્ટમાં થયેલી અરજીમાં જણાવતાં વડીઅદાલતે આખા મામલાને ગંભીર ગણાવી વડોદરા પોલીસને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અદાલત સમક્ષ પરિવારજનોએ એમ પણ જણાવ્યું છે કે ગુમ થયેલા શેખ બાબુ શેખના પત્નીએ લેખિતમાં તા.૧૪મી જાન્યુઆરી, ૨૦૨૦એ જમાઈ ઈબ્રાહિમ પઠાણે ફતેગંજ પોલીસ મથકે રૂબરૂ જઈને લેખિતમાં રજૂઆત કરી હતી અને ત્યાર બાદ ફતેગંજ અને સયાજીગંજ પોલીસ મથકના અનેક ધક્કા ખાધા હતા. અંતે તા.૩૧મીએ માત્ર ગુમ થયાની અરજી લીધી હતી.

અંતે તા.૨૧મી માર્ચે વિગતો માટેની માગણી કરવા રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ અરજી કરવામાં આવી હતી, જેનો આજદિન સુધી કોઈ જવાબ અપાયો નથી. શેખ પરિવારની હાઈકોર્ટમાં થયેલી હેબિયર્સ કોપિયર્સની અદાલતે ગંભીર નોંધ લઈ વડોદરા પોલીસને પરિવારજનોને તાત્કાલિક માહિતી પૂરી પાડવા સૂચના આપી છે.

પુત્ર સલીમનો હુંકાર : ન્યાય મેળવીને જ ઝંપીશ

પોલીસ મથકમાં જ મારા પિતા શેખ બાબુની હત્યા થઈ હોવાનું પુત્ર સલીમે અગાઉ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવા આવ્યા ત્યારે મીડિયા સમક્ષ ભારપૂર્વક જણાવ્યું હતું. સલીમે શરૂઆતથી જ સયાજીગંજ પોલીસ મથક અને ફતેગંજ પોલીસ મથક વચ્ચે અમને ધક્કા ખવડાવતા હોવાનું જણાવી પિતા ગુમ થયાની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે નોંધાવી હતી તે ખરેખર ફતેગંજ પોલીસ મથકે નોંધાવી જાઈતી હતી. કારણ કે, ત્યાં તપાસ માટે લવાયા બાદ જ મારા પિતા ગુમ થયા છે. ‘લોકસત્તા-જનસત્તા’ સાથે ટેલિફોનિક વાતચીતમાં પુત્ર સલીમે ફરીવાર મારા પિતાની હત્યા પોલીસ મથકમાં થઈ હોવાનું જણાવ્યું હતું. હું આ માટે અંત સુધી લડવા તૈયાર છું.

સ્વજનો પિતાને શોધવા અનેક વખત વડોદરા આવ્યાં

ગુમ થયેલા પિતાને શોધવા તેલંગાણાથી પરિવારજનો વારંવાર વડોદરા આવતા હતા. એમને વડોદરા મુસ્લિમ સમાજે રહેવા તેમજ ખાવા-પીવાની સગવડ કરી આપી હતી. વડોદરામાં ડોનેસન, ગુમ થયેલાઓને શોધવા જેવી સામાજિક પ્રવૃત્તિ કરતા યુવાનોના જૂથે છેલ્લે ર૦ માર્ચે આવેલા પરિવારને ત્રણ દિવસ સુધી આશરો આપી તેલંગાણા રવાના કર્યા હતા. પરંતુ પરિવાર મહારાષ્ટ્રના અકોલા પહોંચતાં જ લાકડાઉન થતાં ટ્રેનો અટકી ગઈ હતી, જ્યાંથી માંડ માંડ ચાર દિવસે તેઓ વતન પહોંચ્યા હતા.