ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે, ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે. બેઠકમાં ટાસ્ક ફોર્સના તજજ્ઞ તબીબો ઉપરાંત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ,અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને એમ કે દાસ તથા અન્ય વરિષ્ઠ સચિવો જોડાયા છે. આ ટાસ્ક ફોર્સના તબીબો અગાઉ પણ રાજ્ય સરકારને કોવિડ પ્રોટોકોલ, ટ્રીટમેન્ટ પ્રોટોકોલ, મેડીસીન મેનેજમેન્ટ વિગેરે અંગે જરૂરીયાત મુજબ માર્ગદર્શન અને સેવાઓ આપતા રહ્યા છે. સીએમ રૂપાણીએ કોરોનાની સંભવીત ત્રીજી લહેર જો આવે તો તેની શરૂઆતથી જ ટ્રીટમેન્ટ, પ્લાનિંગ અને મેડિસિનથી માંડીને અન્ય આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના સમયબદ્ધ પ્લાનિંગ માટે આ બેઠકમાં તજજ્ઞો સહિત સૌ સાથે પરામર્શ વિમર્શ કર્યો છે.