વડોદરા, તા. ૩

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક જ અધિકારી પાસે અનેક વિભાગના કામનુ ભારણ આપી દેવામાં આવ્યુ છે. વર્ષો થી પાલિકામાં કાયમી સિટી એન્જિનિયર પણ નથી. ત્યારે હવે ઘણા ઉચ્ચ અધિકારીઓએ નવા વિભાગના ચાર્જ અને ભવિષ્યમાં આવનારી વધારાની કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને ઈનકાર કરી દીધો છે. અને જે તે હોદ્દા પર કાયમી નિમણૂક આપવા રજૂઆત કરી છે.અને આ સંદર્ભે તેઓએ મેયરનું પણ ધ્યાન દોર્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દિવસે ને દિવસે વસતી અને વિસ્તાર વધી રહ્યો છે. પરંતુ સામે સ્ટાફની ભરતી થઈ નથી તેમજ પાલિકામાં મહત્વની પોસ્ટ એવી સિટી એન્જીનિયર સહિત તમામ મહત્વની વિભાગો માં કાયમી અધિકારી ની નિમણૂકો થઈ નથી.મોટાભાગના અધિકારીઓ ચાર્જ પર અને એક કરતા વધુ વિભાગોની કામગીરી કરી રહ્યા છે. ત્યાર પાલિકામાં છેલ્લા કેટલાક સમય થી મહત્વના વિભાગોમાં ચાર્જ સંભાળી રહેલા શૈલેષ નાયક, અલ્પેશ મજમુદાર, ધીરેન તળપદા, રાજેશ શિમ્પી અને અમૃત મકવાણાએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરી છે કે, વહીવટી વિભાગો દ્વારા જુદા જુદા ઉચ્ચ હોદ્દાઓનો કાર્યભાર ચાર્જ સોંપી હાલ અમારી પાસે કામગીરી કરવામાં આવી રહી છે. ઉચ્ચ હોદ્દાની કામગીરી અમોને સોંપવામાં આવે છે. તે પરથી સ્પષ્ટ થાય છે કે, ઉચ્ચ હોદ્દા પર નિમણૂક થવાની તમામ લાયકાત અને અનુભવ ધરાવીએ છીએ. અમે પણ આજ્ઞાંકિત અધિકારીઓ છીએ અને વર્ષોથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા જે હુકમ કરવામાં આવ્યા એને માન આપીને કામગીરી કરીએ છીએ. જે તે હોદ્દા ચાર્જ આપી કામગીરી કરવામાં આવે છે. તે હોદ્દા પર કાયમી નિમણૂક સત્વરે કરી આપવી જરૂરી છે.

ઉપરાંત આ બાબતે ઘણા વર્ષોથી કરેલ વધારાની કામગીરીનું વેતન, મહેનતાણું પણ મળેલ નથી. આ અમારા ન્યાયિક અને કાયદેસરના હક્કોને નુકસાન છે. અમોને ચાર્જ મુજબનાં હોદ્દા પર નિમણુક કરવા અને અગાઉના વર્ષોનું ચાર્જ એલાઉન્સ આપવા ગુપ્ત અધિકારીઓ દ્વારા વારંવાર મૌખિક અને લેખિતમાં સંયુક્ત રીતે એક મતે રજૂઆત કરેલ છે. તેમ છતાં આજદિન સુધી અમો તમામ અધિકારીને કાયમી નિમણૂકના હુકમો અને ચાર્જ એલાઉન્સ બંને આજદિન સુધી મળેલ નથી.

બીજી તરફ આ માસના અંતમાં સિટી એન્જિનિયર તરીકે ચાર્જ સંભાળી રહેલા શૈલેષ મિસ્ત્રી પણ નિવૃત્ત થનાર છે. જે સંદર્ભે તેઓની કામગીરી માટે ફરીથી અમારા પાંચ પૈકીના કોઇ એક અધિકારીને વધારાની કામગીરી સોંપી ચાર્જ આપવાના હુકમો કરી કામગીરી લેવાનો પ્રયત્ન થાય તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખી આ તમામ પાંચ અધિકારીઓએ સંયુક્ત રીતે અને એક મતે રજૂઆત કરી છે કે, માત્ર વધારાની કામગીરીની સોંપણી કરી એટલે કે, કાયમી નિમણૂક ના કરી અમારા પૈકીના કોઈપણ અધિકારીને વધારાની કામગીરી સોંપવાના હુકમો કરવામાં આવે તેવા સંજાેગોમાં અમો પૈકી કોઈ પણ અધિકારીઓ વધારાની કામગીરીની ફરજાે બજાવીશું નહીં અને સ્વીકારીશું પણ નહીં. આથી આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા અમારી કાયમી નિમણૂક કરી દેવામાં આવે તેવી રજૂઆત કરી હતી.