વડોદરા : વડોદરા શહેરના ઐતિહાસિક ન્યાયમંદિર ભવનમાં સિટી મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ ભવિષ્યમાં સાકાર થશે. જેના ભાગ રૃપે આવતીકાલે તા.૧૭મીના રોજ રાજ્યના કાયદામંત્રી પ્રદિપસિંહ જાડેજા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલને કાયદા વિભાગ હસ્તકના આ હેરિટેજ બિલ્ડિંગનું હસ્તાંતરણ કરશે. શનિવારે સવારે ૯ વાગે ન્યાયમંદિર હેરિટેજ બિલ્ડિંગ હસ્તાંતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

સ્માર્ટ સિટી અંતર્ગત અગાઉ મ્યુનિ.કોર્પોરેશનને ન્યાયમંદિરના ઐતિહાસિક અને હેરિટેજ બિલ્ડિંગમાં સિટી મ્યુઝિયમ બનાવવા માટે જાહેરાત કરી હતી.જાેકે આ બિલ્ડિંગ કાયદા વિભાગ હસ્તક હતું. રાજ્ય સરકાર સમક્ષ આ બિલ્ડિંગના હસ્તાંતરણ અંગેની રજૂઆત તાજેતરમાં કરવામાં આવી હતી.જેના માન્ય રાખવામાં આવી હતી.

જુના વડોદરા રાજ્ય અને સર સયાજીરાવ ગાયકવાડના શાશનને લગતી માહિતી, ઐતિહાસિક ચિત્રો તથા કલાત્મક નમૂનાઓ દ્વારા મુકવામાં આવશે. કેન્દ્રના ના પુરાતત્વ વિભાગની મદદ લઇને આ બિલ્ડિંગમાં જરૃરી કલાત્મકતાની સાથે જરૃરી માહિતી પણ રજૂ કરવામાં આવશે.

મ્યુનિ.કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ કલેકટર અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. મ્યુનિ.કોર્પોરેશન આર્થિક સહાય પણ આ પ્રોજેક્ટમાં જિલ્લા કલેકટરને આપશે.

મહારાણી ચીમનાબાઇ (પ્રથમ)નું ૧૮૮૭માં નિધન થતાં તેમની સ્મૃતિમાં આ ઐતિહાસિક ભવન તૈયાર કરવામાં આવ્યું છે.ન્યાયમંદિરની આ ઇમારતને મહારાણી ચીમનાબાઇ ન્યાયમંદિરનું નામ આપવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ન્યાયમંદિરમાંથી કોર્ટનું સ્થાનાતંર દિવાળીપુરા ખાતેના નવા બિલ્ડિંગમાં કરવામાં આવ્યું હતું. છેલ્લા બે વર્ષથી આ બિલ્ડિંગના ઉપયોગ અંગે ચર્ચા થતી હતી.

વડોદરામાં એક વધુ આકર્ષણ ઉમેરાશે

સિટી મ્યુઝિયમ પ્રોજેક્ટ આગામી વર્ષોમાં પૂર્ણ થતાં શહેરમાં એક વધુ આકર્ષણ ઉમેરાશે. વડોદરા કલા અને સાંસ્કૃતિક નગરીમાં સયાજીરાવ વખતના કલા સંસ્કૃતિ સહિતના વૈભવી વારસાને પણ મ્યુઝિયમમાં રજૂ કરવામાં આવશે.