વડોદરા : સાવલી તાલુકાના પીલોલ ગામમાં આવેલ માતાજીના મંદિરના ચોકમાં યોજાયેલા સાર્વજનિક ગરબામાં અનુસૂચિત જાતિની મહિલાઓને ગરબા નહીં રમવા દેતાં મામલો ગરમાયો હતો. ગરબામાં દલિત પરિવાર સાથે ભેદભાવ કરનાર બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓ સામે સાવલી પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

પીલોલ ગામમાં રહેતા વિનોદભાઈ મોહનભાઈએ સાવલી પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે અલિન્દ્રા ગામ સ્થિત ખાનગી કંપનીમાં નોકરી કરું છું. ગત રાત્રિના ૧૦ વાગે મારા કાકાના પુત્ર યોગેશભાઈ રાજેન્દ્રભાઈ તેમની પત્ની પદમાબેન અને ભત્રીજી તૃપ્તિ ગામમાં માતાજીના મંદિરના ચોકમાં નવરાત્રિ પર્વે ગરબા રમવા માટે ગયા હતા.

થોડા સમય બાદ હું પણ ગરબા જાેવા માટે ગયો હતો, તે વખતે ગરબા રમતા પદમાબેન અને મારી ભત્રીજી તૃપ્તિએ ગરબાનો એક રાઉન્ડ પૂરો કર્યો ત્યારે તેમની આગળ ગરબા રમતાં તારાબેન લાલાભાઈ પરમારે બંનેને જાતિવિરુદ્ધ અપશબ્દો બોલી ગરબામાંથી બહાર કાઢી મૂક્યાં હતાં અને અમાર સમાજના ગરબામાં તમારે ગરબા રમી શકાય નહીં તેવું કહેતાં પદમાબેન અને તૃપ્તિ રડતાં રડતાં મારી પાસે આવીને આ અંગેની ફરિયાદ કરી હતી. જાે કે, મેં બૂમ પાડીને આ અંગેની ફરિયાદ સરપંચને કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર હાજર ગામના છત્રસિંહ પરમાર, મુકેશભાઈ પરમાર અને લાલજી શના પરમારે મને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. તેથી મેં તેમને ગાળો બોલવાની ના પાડતાં ત્રણેય ઉશ્કેરાયા હતા અને તમાર બૈરી-છોકરા-છોકરીઓથી અમારા સમાજના ગરબામાં ગરબા રમી શકાય નહીં તેમ કહીને ઝઘડો કર્યો હતો. બાદમાં ગરબામાં બનેલા બનાવની જાણ પદમાબેને ઘરે આવીને તેમના પતિ યોગેશભાઈને કરી હતી.

બીજી તરફ વિનોદભાઈ અને તેમના પરિવારજનો સહિતનું ટોળું સાવલી પોલીસ મથકે દોડી જઈને ભારે હોબાળો મચાવ્યો હતો. આ બનાવને પગલે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાવલી પોલીસ મથકે પહોંચ્યા હતા. વિનોદભાઈ હરિજને નોંધાવેલી ફરિયાદના આધારે સાવલી પોલીસે છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર, તારાબેન પરમાર સહિત પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.