પાટણ,તા.૧૪ 

પાટણમાં બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન જવાના રસ્તા પર સીટી પોઇન્ટ અને કિલાચંદ શોપિંગમાં અવર જવર કરવાના બંન્ને ક્રાૅસિંગ ખુલ્લા માર્ગને પાલિકા દ્વારા બંધ કરવા આવતા વેપારીઓ રોષે ભરાઈ વિરોધ કરતા પાલિકાની ટિમ કામ અધૂરૂ મૂકી પરત જવું પડ્યું હતુ. બગવાડા દરવાજાથી રેલવે સ્ટેશન સુધી રસ્તા વચ્ચે આવેલ ડિવાઇડરમાં જાળીઓ નાખી રસ્તાઓ વચ્ચે અવરજવર બંધ કરાઇ છે. કિલાચંદ શોપિંગથી સીટી પોઇન્ટ તરફ આવવાના રસ્તા વચ્ચે પડતા ક્રાૅશીંગ માર્ગને ખોદી તેને બંધ કરવા માટે કામગીરી શરૂ કરાઇ હતી. તે સમયે બન્ને તરફના વેપારીઓ એકત્ર થઇ માર્ગ મહત્વનો હોઈ જો બંધ થઇ જશે તો વેપારીઓ સહીત ગ્રાહકો અને રાહદારીઓને બગવાડા સુધી લાંબા થઈને ફરીને આવવું પડશે જેથી માર્ગ બંધ ન કરવા અપીલ કરવા છતાં ટિમ ન માનતા વેપારીઓ વિરોધ કરી કામગીરી અટકાવી દીધી હતી.