દિલ્હી-

હોકી ઈન્ડિયાએ શનિવારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટેના ઉમેદવારોની જાહેરાત કરી હતી. એચઆઇ દ્વારા દિગ્ગજ ગોલકીપર અને પુરૂષોની ટીમની સફળતામાં મહત્વનું પાત્ર ભજવતા પી.આર.શ્રીજેશને દેશના સર્વોચ્ચ રમતગમત સન્માન માટે નામાંકિત કરવામાં આવ્યા છે. મહિલા વર્ગમાં એચ.આઈ.એ આ એવોર્ડ માટે ભૂતપૂર્વ હોકી ખેલાડી દીપિકાને નોમિનેટ કર્યા છે.

એચઆઈએ અર્જુન એવોર્ડ માટેના પણ નામાંકન જાહેર કર્યા છે. પુરુષ વર્ગમાંથી ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત જ્યારે મહિલા વર્ગમાંથી વંદના કટારિયા અને નવજોત કૌરને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. હરમનપ્રીતે ભારત તરફથી 100થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે જ્યારે વંદનાએ 200થી વધુ અને નવજોતે 150થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ ઉપરાંત એચઆઇએ ધ્યાનચંદ એવોર્ડ માટે પૂર્વ ખેલાડીઓ ડૉ.આર.પી.સિંઘ અને એમ.સંગ્ગાઈ ઇબેમ્હાલના નામ મોકલવાનો નિર્ણય લીધો છે. એચઆઈએ દ્રોણાચાર્ય એવોર્ડ માટે કોચ બીજે કારિઅપ્પા અને સીઆર કુમારની નિમણૂક કરી છે. એચ.આઈ.એ એક નિવેદન બહાર પાડીને આ અંગે માહિતી આપી છે.

રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે 1 જાન્યુઆરી, 2017 થી 21 ડિસેમ્બર, 2020 દરમિયાનના પ્રદર્શનને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. આ દરમિયાન શ્રીજેશે હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2018માં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મોટો ભાગ ભજવ્યો હતો. આ ઉપરાંત, તેમણે 2018 એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. 2019માં એફઆઇએચ મેન્સ સિરીઝ ફાઈનલમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો અને ટીમની આ સફળતામાં પણ શ્રીજેશે ગોલપોસ્ટ પર જોરદાર પ્રદર્શન કર્યું હતું. શ્રીજેશે 2015માં અર્જુન એવોર્ડ અને 2017માં પદ્મશ્રી જીત્યો છે. તે જ સમયે, દીપિકાએ 2018 એશિયન ગેમ્સમાં ભારતને રજત પદક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત, તે 2018માં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમની સફળતામાં ફાળો આપવામાં પણ સફળ રહી હતી.

રમતગમતના પુરસ્કારો માટેના નામાંકનની ઘોષણા કરતા હોકી ઇન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોમ્બામે કહ્યું કે, તે તેમના માટે સન્માનની વાત છે. જ્યારે ગયા વર્ષે રાણીએ જ્યારે આ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ જીત્યો ત્યારે તે અમારા માટે ગર્વની ક્ષણ હતી. અમે ખૂબ જ ગર્વ સાથે આપણા દેશના બે મહાન ખેલ ખેલાડીઓ- પી.આર.શ્રીજેશ અને દીપિકાના નામને આ વર્ષે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરીએ છે. "