ગાંધીનગર-

ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આજે ગૃહ વિભાગની એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સમિક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ બેઠકમાં રથયાત્રા, સાયબર ક્રાઈમ, આર્થિક ગુનાઓ, ડ્રગ્સ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાતમાં આગામી દિવસોમાં રથયાત્રા સહિતના વિવિધ તહેવારો આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને રાજયમાં આગામી તા. 12 જુલાઈના રોજ રથયાત્રા નીકળશે કે કેમ? તે અંગે સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે આજે રાજ્ય સરકારની કેબિનેટની બેઠક બાદ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની એક મહત્વની બેઠક બેઠક મળી હતી. આ બેઠકમાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યના પોલીસ વડા ડીજીપી આશિષ ભાટિયા, અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એટીએસના વડા, ગૃહ સચિવ તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રથયાત્રા, ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, ઈકોનોમિક ઓફેન્સ, એનડીપીએસ સહિતના મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.