વડોદરા : સમગ્ર રાજ્યમાં કોરોનાની કહેરની લહેર સંપૂર્ણપણે શમી નથી. તેમ છતાં કોરોનાને કંટ્રોલ કરવામાં ઉત્તમ વહીવટનો દાવો કરનાર સરકારના પગ નીચેથી ધરતી સરકતી જણાતા આખરે અમદાવાદમાં માત્ર રાત્રી કરફ્યુના બદલે સળંગ ૫૭ કલાકનો કરફ્યુ નાખવાની ફરજ પડતા સરકારી દાવાઓની પોળ ખુલી ગઈ હતી. ત્યારબાદ મોડી સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા અમદાવાદના સળંગ કરફ્યુની સાથોસાથ વડોદરા, સુરત ,રાજકોટ જેવા શહેરોમાં પણ શનિવાર રાતથી અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે નહિ, ત્યાં સુધી રાત્રી કરફ્યુની જાહેરાત કરતા શહેરીજનોમાં દહેશતનો માહોલ સર્જાયો છે. સતા લાલસુઓની સત્તા લાલસાને લઈને નેતાઓના પાપે પ્રજા જેલવાસ જેવી સ્થિતિમાં મુકાઈ જતા પ્રજામાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીની જાહેરાત પછીથી ભલભલા નેતાઓએ કોઈ ટીકા ટિપ્પણીમાં પડયા વિના પ્રજાનો રોષ પારખી હોઠ સીવી લઈને અકળ મૌન ધારણ કરી લેતા પ્રજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. આને કારણે સંસ્કારી નગરીના નગરજનોને બાનમાં મુકવાના ર્નિણય સામે પ્રજામાં રોષ ફેલાયો છે. પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવી સ્થિતિ સર્જનાર, પેટા ચૂંટણીનું આયોજન કરનાર, ચૂંટણીના ઉત્સવને બદલે જન ઉત્સવને કારણભૂત ગણનાર સત્તા ભૂખ્યા શાસકો સામે પ્રજા લાલઘૂમ થયેલી જોવા મળી રહી છે. સૌથી વધુ આઘાતની બાબત તો એ છે કે, હજુ વડોદરામાં સળંગ કરફ્યુ મુકાયો નથી કે એને લગતી કોઈ જાહેરાત કરવામાં આવી નહોતી. એ પહેલા સ્માર્ટ સીટી અને પાલિકા તંત્રના ભોગે તગડા બનેલ સ્થાનિક પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ દ્વારા નાયબ મુખ્યમંત્રીની કોઈપણ પ્રકારની જાહેરાત પહેલા શુક્રવારે સાંજથી સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હોવાની બુમરાણ આમ જનતામાં ઉઠવા પામી હતી. આમ વડોદરામાં શનિવાર સાંજ પછીથી રાત્રી કરફ્યુ અમલમાં આવનાર હોવા છતાં એક દિવસ અગાઉથી જ દહેશતનો માહોલ સર્જાયો છે. એક તરફ સત્તા લાલસુઓ, સરકાર આને માટે પ્રજાને ઉત્સવની ઉજવણીમાં ભાન ભૂલ્યાનું જણાવીને દોષિત ગણાવી રહી છે. તો બીજી તરફ પ્રજા તહેવારોના ઉત્સવની ઉજવણી પહેલા ભાન ભૂલીને કરાયેલા પેટા ચૂંટણીના પ્રચાર પ્રસાર અને ત્યારબાદ વિજય અને વધામણાના ઉત્સવોને જવાબદાર લેખીને સરકારને આને માટે જવાબદાર લેખાવી રહી છે. તેમજ આ બાબતે સરકાર ઉલટા ચોર કોટવાલકો ડાટે જેવો ખેલ ખેલી રહયાના આક્ષેપો થઇ રહયા છે.   

નાગરિકોને સંચારબંધી પાળી સહયોગ આપવા અનુરોધ

રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે કોવિડ વિષયક તકેદારીના ભાગરૂપે આવતીકાલ શનિવાર તા.૨૧થી વડોદરા શહેરમાં બીજી સૂચના ન મળે ત્યાં સુધી રાત્રિના ૯ થી સવારના ૬ વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂ અમલમાં રહેશે. જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે શહેરીજનોને રાજ્ય સરકારના આ ર્નિણયને ધ્યાનમાં લઈ રાત્રિ સંચારબંધીનું ચુસ્ત૫ણે પાલન કરી સહયોગ આપવા અનુરોધ કર્યો છે.

રાત્રિ કરફ્યૂ દરમિયાન કઈ કઈ આવશ્યક સેવાઓને છૂટછાટ

પોલીસ કમિશનરના જાહેરનામામાં સેવાઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓ, સંસ્થાઓને હુકમના પાલનમાંથી મુક્તિ આપવામાં આવી છે જેમાં પેટ્રોલિયમ, સીએનજી, એલપીજી, પાણી સ્વચ્છતા સહિતની સેવાઓ, વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન એકમ, ટેલિકોમ્યુનિકેશન સર્વિસીસ, રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર પ્રારંભિક ચેતવણી એજન્સી. પોલીસ, હોમગાર્ડસ, સિવિલ ડિફેન્સ, ફાયર, ઈમરજન્સી સેવાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સંરક્ષણ, કેન્દ્રિય સશસ્ત્ર પોલીસદળ, જેલ અને મ્યુનિ. કોર્પોેરેશનની આવશ્યક સેવાઓ. જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિત તમામ તબીબી સેવાઓ અને ઈ-કોમર્સ દ્વારા ફાર્માસ્યુટીકલ હોમ ડિલિવરી. દૂધ વિતરણ. સિકયુરિટી સેવા. આવશ્યક ચીજવસ્તુઓના ઉત્પાદન એકમો, ફાર્માસ્યુટીકલ. અંતિમસંસ્કારના કિસ્સામાં ર૦ જેટલી વ્યક્તિઓ ભેગા થઈ શકશે. લગ્ન પ્રસંગમાં સ્થાનિક સ્ટેશનની મંજૂરી લેવી. રેલવે અને એરપોર્ટ પર માલસામાનની હેરફેરની સેવાઓ. રેલવે અને હવાઈ માર્ગે અવરજવર કરનાર મુસાફરોને લેવા અને મુકવા માટે માન્ય ટિકિટ રજૂ કર્યેથી મંજૂરી જે માટે જ ટેક્સી અને રેડિયો કેબ સેવાઓ ચાલુ રહેશે. એટીએમ બેન્કિંગ ઓપરેશનના આઈટી વેન્ડરો સહિત એટીએમ ઓપરેશન અને રોકડ વ્યવસ્થાપન એજન્સીઓ. તમામ પ્રકારના માલસામાનનું પરિવહન. એનઆઈસી સાયન્સ્ટિસ્ટ, સીજીએલ, સીએસઆઈઆર નેટ એકઝામ, સીએ, એસએસસી વગેરેની અન્ય માન્ય પરીક્ષાઓ આપવા જતા પરીક્ષાર્થીઓને માન્ય પ્રવેશપત્ર-ઓળખપત્રના આધારે લેવા અને મુકવા જવા માટે મંજૂરી આપવામાં આવી છે.

પાલિકા કમિશનર સ્વરૂપ.પી.ના મતે સબ સલામત તો કરફ્યૂ કેમ ?

વડોદરા મહાનગર પાલિકાના કમિશ્નર સ્વરૂપ.પી.એ શહેરમાં કોરોનાની સ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૯૮ કેસ નોંધાયાનું જણાવી કેસોમાં સામાન્ય વધારો થયો છે. એમ જણાવી પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાનું ઉમેર્યું હતું. તેમજ આવી સ્થિતિમાં વડોદરા શહેરમાં કોઈપણ પ્રકારના કરફ્યુની જરૂરિયાત લાગતી નથી.એવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. એના ગણતરીના કલાકોમાં જ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડોદરામાં કરફ્યુની જાહેરાત કરતા પાલિકા કમિશ્નરની વાતનું સુરસુરિયું થઇ ગયું હતું. પાલિકા કમિશ્નરે પોતાની વાતને સમર્થન આપવાને માટે અને આધાર આપવા માટે તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે, શહેરની હોસ્પિટલોમાં ૭૦ ટકા અને આઈસીયુમાં ૬૦ ટકા બેડ ખાલી છે. આ ઉપરાંત સાવચેતીના પગલાંરૂપે ધન્વંતરિ રથ પણ કાર્યરત છે. તેમ છતાં આગામી દિવસોમાં પાલિકાની ૮૨૨ ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરાશે.

આગોતરા આયોજનને લઈને સ્થિતિ નિયંત્રણમાં ઃ ડો.વિનોદ રાવ

વડોદરા ખાતે કોવિદની સ્થિતિને ધ્યાનમાં લઈને ખાસ ફરજ પરના અધિકારી અને રાજ્યના શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું હતું કે, હાલમાં વડોદરામાં ૫૦૦૦ જેટલા કોવિદ બેડની વ્યવસ્થા છે. જે પૈકી માત્ર ૧૫૦૦ બેડ ભરાયેલા છે. ૩૫૦૦ ખાલી છે. આ હોસ્પિટલોના ૫૦૦ વેન્ટિલેટર પૈકી ૧૬૫ એટલે કે ૩૩ ટકા વપરાશુંમાં છે. વડોદરાએ કોરોનાના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના કોરોનાના પ્રથમ તબક્કામાં સફળતાપૂર્વક કામગીરી કરી છે. તેમજ બીજા આ આગામી સપ્તાહના અતિ કઠિન મનાતા તબક્કામાં કામગીરી પાર પડાશે. આ માટેના તમામ આગોતરા આયોજનો કરી દેવાયા છે. જેમાં જરૂર પડે કોવિદ બેડ અને વેન્ટિલેટરની સુવિધા વધારવાના આયોજનનો પણ સમાવેશ થાય છે.

શહેરીજનોમાં કરફ્યૂની જાહેરાતને લઈ અફરાતફરીનો માહોલ

વડોદરા શહેરમાં શનિવારની સાંજ પછીથી અન્ય કોઈ જાહેરાત કરવામાં આવે નહિ. ત્યાં સુધી રાત્રી કરફ્યુ અમલમાં રહેશે એવી જાહેરાત મોડી સાંજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. આને લઈને વડોદરા શહેરના નગરજનોમાં એવો ભય ફેલાયો હતો કે, સરકાર દ્વારા અમદાવાદમાં પણ માત્ર રાત્રી કરફ્યુ નાખવાની જાહેરાત કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ થુંકેલુ ચાટીને પુનઃ ૫૭ કલાકનો સળંગ કરફ્યુ નાખી દીધો હતો. આવી રીતે વડોદરામાં પણ સળંગ કરફ્યુ નાખી દેવામાં આવશે એવી દહેશતને લઈને પ્રજામાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. પ્રજામાં ભય અને ગભરાટનું વાતાવરણ પ્રસરી ગયું હતું. આને લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ભરાતા શાકભાજી બજારો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના બજારો અને દુકાનોમાં ગ્રાહકોએ પડાપડી કરી મૂકી હતી.