આણંદ, તા.૯ 

આણંદના સ્વાતંત્ર સેનાની મગનભાઈ પઢીયારનું સ્વાતંત્ર પર્વ ઉજવણી પૂર્વે યથોઉચિત સન્માન આણંદ પ્રાંત અધિકારી જે.સી.દલાલના શુભ હસ્તે તેઓના નિવાસ સ્થાને જઈ ને કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારીએ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા મોકલવામાં આવેલા શુભેચ્છા સંદેશ અને અંગવસ્ત્ર તેમજ શાલ પણ સ્વતંત્ર સેનાની મગનભાઈ પઢીયારને તેઓના પરિવારજનો અને શુભેચ્છકોની હાજરીમાં અર્પણ કરી હતી. પ્રાંત અધિકારી સાથે મામલતદાર અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સ્વાતંત્ર સેનાની મગનભાઈ પઢીયારે સૌને શુભેચ્છા અને આશીર્વાદ આપ્યાં હતાં. એ જ પ્રમાણે પેટલાદ તાલુકાના સુણાવ ગામના સ્વતંત્ર સેનાની હસુબેન જે. પટેલ જસોમજીભાઈની ખડકી સુણાવ ખાતે રહે છે. તેમનું સન્માન પ્રાંત અધિકારી પેટલાદ મનિષાબેન બ્રહ્મભટ્ટે મહામહિમ રાષ્ટ્રપતિએ મોકલાવેલા અંગવસ્ત્ર અને શાલ ઓઢાડીને કર્યું હતું. તેમજ રાષ્ટ્રપતિનો સંદેશ પણ અર્પણ કર્યો હતો. આ પ્રસંગે સુણાવના સરપંચ હંસાબેન ભુપેન્દ્રભાઈ પટેલ, પરિવારજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. બોરસદ તાલુકાના બોદલ ગામના સ્વતંત્ર સેનાની કમળાબહેન પટેલનું રાષ્ટ્રપતિ વતી પ્રાંત અધિકારી ડી.એમ.પટેલ દ્વારા શાલ, અંગવસ્ત્ર અને સંદેશ અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મામલતદાર એ.એમ. શેરસિયા અને પરિવારજનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.