નવી દિલ્હી

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઇન્ડિયાના અપેક્સ કાઉન્સિલે ડોમેસ્ટિક ક્રિકેટ માટે મીટિંગ કરી. એમાં રણજી ટ્રોફી અને વિજય હઝારે ટૂર્નામેન્ટ અંગે નિર્ણય સ્થગિત કરાયો છે. જોકે એવું સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે આ વખતે બંનેમાંથી કોઈ એક જ ટૂર્નામેન્ટ થશે. જ્યારે વુમન્સ ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત માર્ચથી થઈ શકે છે.

કોરોનાને કારણે લગભગ 10 મહિના પછી ભારતમાં ડોમેસ્ટિક ક્રિકેટની વાપસી થઈ ગઈ છે. 10 જાન્યુઆરીથી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમાઈ રહી છે. આ T-20 ટૂર્નામેન્ટ બાયો-બબલમાં રમાઈ રહી છે, જે 31 જાન્યુઆરી સુધી ચાલશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માર્ચ-એપ્રિલમાં રમાશે. તેવામાં બોર્ડ લીગ માટે વિન્ડો પણ ખાલી રાખવા માગે છે. 

BCCIના એક સિનિયર ઓફિસરે ન્યૂઝ એજન્સીને કહ્યું હતું કે "અધ્યક્ષ (સૌરવ ગાંગુલી) આ સીઝનમાં રણજી ટ્રોફી કરાવવાના પક્ષમાં છે, જ્યારે અમુક સદસ્યો વિજય હઝારે ટ્રોફી કરાવવાની વાત કરી રહ્યા છે. તેવામાં કોઈ ટૂર્નામેન્ટ માટે સહમતી થઈ નથી. બંનેમાંથી કોઈ એક જ ટૂર્નામેન્ટ થશે, જેનો નિર્ણય આ અઠવાડિયાના અંત સુધીમાં લેવાશે. 

ઓફિસરે કહ્યું હતું કે "મહિલાઓની આખી હોમ સીઝન રમાશે. વુમન્સ ઇન્ટરનેશનલ ક્રિકેટની વાપસી માટે પણ વાત કરાઈ રહી છે. ઇંગ્લેન્ડ અથવા શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી શકે છે. " આ વર્ષે ઓક્ટોબરમાં ભારતની યજમાનીમાં થનાર મેન્સ T-20 વર્લ્ડ કપ અંગે BCCIએ સરકાર સાથે ટેક્સમાં છૂટ બાબતે વાત કરવાની છે. મીટિંગમાં આ મુદ્દે પણ ચર્ચા થઈ.