વડોદરા, તા.૧૧

અગાઉ ક્યારેય ન જાેયા હોય એવા દૃશયો હવે ખાસવાડી સ્મશાન અને સયાજી હોસ્પિટલ ખાતે જાેવા મળી રહ્યા છે. સ્મશાન અને હોસ્પિટલ ઉપર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનો બંને સ્થળોએ ર૪ કલાક પહેરો ભરવા માટે ગોઠવી દેવાયો છે. તંત્રની બેદરકારી અને નિષ્કાળજીના પાપે દર્દીઓના સગાઓમાં આક્રોશ ફેલાયો છે. તોડફોડ અને હોબાળાના બનાવો બનતા રહે છે એ નિવારવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડયો હોવાનું બહાર આવ્યું છે.

શહેરમાં કોરોના પોઝિટિવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોરોના કેસોમાં પ્રચંડ વધારો થતાં હોસ્પિટલ તંત્ર પર કામનું ભારણ દિવસે ને દિવસે વધી રહ્યું છે જેને લઈને કેટલીક વખત દર્દીઓના સગાંઓ અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણના બનાવો બનતા રહે છે. કોરોનાકાળમાં મૃત્યુદરમાં વધારો થતાં સ્મશાનગૃહોમાં ર૪ કલાક અંતિમક્રિયા ચાલુ રાખવી પડે છે તેવા સમયે હવે પોલીસ વિભાગ દ્વારા હોસ્પિટલ અને સ્મશાનગૃહોની બહાર પોલીસ બંદોબસ્ત મુકવો પડે તેવી સ્થિતિ ઊભી થતાં સરકારી હોસ્પિટલ અને સ્મશાનગૃહોની બહાર તહેનાત પોલીસ કર્મચારીઓ જાેવા મળ્યા હતા.

રાજ્યમાં કોરોનાનો કહેર અટકાવવા માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. પરંતુ કોરોનાનો કહેર ઘટવાને બદલે પ્રચંડ વેગે વધી રહ્યો છે. બીજા વેવમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાને કારણે હવે વધુ ઝડપથી લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે જેને લઈને સરકારી અને ખાનગી હોસ્પિટલો કોરોના પોઝિટિવ દર્દીઓથી છલકાઈ રહી છે. જેને કારણે હોસ્પિટલ તંત્ર પર એકાએક કામનું ભારણ વધી ગયું છે. દરમિયાન દર્દીના સગાંઓ અને હોસ્પિટલ તંત્ર વચ્ચે ઘર્ષણની અનેક ઘટનાઓ સામે આવી હતી. તાજેતરની સ્થિતિને જાેતાં શહેરની સરકારી હોસ્પિટલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે જેને લઈને બીજી તરફ સ્મશાનમાં પણ અંતિમક્રિયા કરવા માટે આવતા મૃતદેહોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે. સ્મશાનગૃહોમાં ર૪ કલાક મૃતદેહોના અંતિમસંસ્કારની ક્રિયા ચાલી રહી છે. હાલની સ્થિતિએ તમામ સ્મશાનોમાં મૃતદેહોને વેઈટિંગમાં રોકાવવું પડે તેવી સ્થિતિ છે જેને લઈને સ્મશાનગૃહોની બહાર પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આજે હોસ્પિટલની સાથ સાથે સ્મશાનગૃહોની બહાર પણ પોલીસનો બંદોબસ્ત મુકવો પડયો છે. કદાચ શહેરના ઈતિહાસમાં આ પ્રથમ વખત સ્મશાનગૃહોની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. લોકોએ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને યોગ્ય ઉંમર ધરાવતી વ્યક્તિઓએ વેક્સિન લેવી જાેઈએ અને કોવિડ ગાઈડલાઈનના પાલનમાં બેદરકારી પોતાનો અને અન્યના જીવને જાેખમમાં મુકી શકે છે.