અમદાવાદ, ગુજરાતમાં ૨૪ કલાકમાં મંગળવારે નોંધાયેલા ૯૫૪ કેસની સામે બુધવારે ૧,૧૨૨ નવા કેસ નોંધાયા છે, એટલે એક જ દિવસમાં ૧૮%નો ઉછાળો નોંધાયો છે. ૯૦ દિવસ પછી ગુજરાતમાં ૧૧૦૦ નવા કેસનો આંકડો ક્રોસ થયો છે. આ સાથે ગુજરાતમાં કોરોનાના કેસ નીચા આવ્યા પછી ત્રીજી વખત આંકડા ઉપર જઈ રહ્યા છે. આ સાથે દિવાળીમાં જે રીતે કેસમાં વધારો નોંધાયો હતો તેના કરતા પાંચ ગણા ઝડપથી નવા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

પાછલા ૭ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો નોંધાતા ૬૬% નવા કેસ વધ્યા છે. ૧૦ માર્ચના રોજ ૬૭૫ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૧૭ માર્ચે આ આંકડો ૧,૧૨૨ પર પહોંચી ગયો. જ્યારે દિવાળી પહેલાના સમયમાં આવેલા કેસના ઉછાળાની ટકાવારી ૧૩% નોંધાઈ હતી. ગુજરાતમાં રેકોર્ડ હાઈએસ્ટ કેસ ૨૭ નવેમ્બરે ૧,૬૦૭ કેસ નોંધાયા હતા. આટલા ઊંચા કેસ નોંધાયા તે પહેલા અહીં ૧,૪૨૦ કેસ નોંધાયા હતા.

ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાંથી અમદાવાદ અને સુરતમાં પાછલા પખવાડિયાથી કેસની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. જેમાં સુરતમાં પાછલા ૭ દિવસમાં નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે, જેની ટકાવારી ૧૨૩% થાય છે. એટલે કે સુરતમાં ૧૩૧થી ૩૧૫ કેસ પહોંચ્યા છે, જ્યારે અમદાવાદમાં આ ટકાવારી ૬૪% છે, અહીં ૧૬૧ કેસથી ૨૬૪ પર આંકડો પહોંચ્યો છે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનના પ્રમુખ ડૉ. ભરત ગાંધી જણાવે છે કે, શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, અહીં ૧૦ માર્ચે ૩૦૭ દર્દીઓ હતા જે વધીને ૫૨૯ (૭૨%નો વધારો) થયા છે. તેઓ જણાવે છે કે, “૧૦ માર્ચના રોજ ૨૯ દર્દીઓ આઇસીયુમાં હતા જે સંખ્યા આજે વધીને ૭૫ થઈ ગઈ છે. કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેતી રાખવાની જરુર છે.” ડૉ. ગાંધી આગળ જણાવે છે કે, “દિવાળી દરમિયાન જે રીતે ગંભીર કેસ આવતા હતા અને મૃત્યુઆંક ઊંચો હતો હતો તેના કરતા હાલની સ્થિતિ અલગ છે.