અમદાવાદ-

ઉત્તરાયણનો તહેવાર ઉજવવો કે નહીં તે અંગે સરકારે નિર્ણય લઇને લોકોને કેટલીક સૂચનાઓ અને નિયંત્રણો સાથે મંજૂરી આપી છે. ઉત્તરાયણ માટેની ગાઇડલાઇનનો ભંગ કરવા બદલ પગલાં પણ લેવામાં આવી શકે છે. સરકારે અમદાવાદમાં વર્ષોથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ્દ કર્યો છે પરંતુ વધુ લોકો ભેગા ન થાય તે રીતે અને જાહેર માર્ગો કે જાહેર સ્થળોએ પતંગ નહીં ઉડાવવાની સૂચના પણ આપી છે. રાજ્યના હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે રાજ્યમાં ફરીથી ઠંડીનું જોર વધશે. તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. કચ્છમાં કોલ્ડવેવની પણ સંભાવના છે જ્યારે દરિયાકિનારાના વિસ્તારો કરતાં ઉત્તરી વિસ્તારોમાં ઠંડી પડવાની સંભાવના વધારે છે. અપર એક સરક્યુલેશનના કારણે તાપમાન વધ્યું હતું અને કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ભેજ વધારે હોવાથી તાપમાનનો પારો ઉંચો ગયો હતો પરંતુ ઉત્તરાયણના સમયમાં પારો ગગડી જવાની સંભાવના છે. 13, 14 અને 15 જાન્યુઆરીએ વધુ ઠંડી પડવાની વકી છે. ઉત્તરાયણના બન્ને દિવસોએ પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે. પવનનું જોર વધુ નહીં હોય પરંતુ પતંગ રસિયા તહેવારની મજા લઇ શકશે. જો કે 15મી જાન્યુઆરીએ પવનનું જોર થોડું વધશે તેવું જણાઇ રહ્યું છે.