જંબુસર, કોરોનાના અજગરી ભરડાએ બીજી વખત ભરૂચને બાનમાં લેવાનું શરૂ કરતાં હવે સ્થિતિ ભયાવહ થઈ રહી છે. જિલ્લામાં ચાર હોસ્પિટલોને કોવિડ સ્પેશ્યલ જાહેર કરાઇ છે ત્યાં, જંબુસરની અલ મહેમુદ હોસ્પિટલમાં બેડ ખૂટી પડતા દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર અને ચાર ઇમરજન્સી બેડ પર સારવાર આપવાની સ્ટાફને ફરજ પડી હતી. જિલ્લાની ખાનગી અને કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓને વેન્ટિલેટર ઉપલબ્ધ થઈ રહ્યા નથી. ત્યાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફિજીશિયનના અભાવે વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર જાેવા મળ્યું હતું. જંબુસરની અલ મહેમુદ કોવિડ હોસ્પિટલમાં કોરોનાની ફ્રીમાં સારવાર થતી હોય અહીં ભરૂચ જિલ્લા ઉપરાંત વડોદરા અને સુરતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સંક્રમિત દર્દીઓ આવી રહ્યાં છે. મંગળવારે હોસ્પિટલમાં તમામ ૯૦ બેડ ફૂલ હોવા વચ્ચે બીજા ઇમરજન્સીમાં ૮ દર્દીઓ આવતા સ્થિતિ વણસી હતી. હોસ્પિટલના સ્ટાફે બેડ ના અભાવે આ કોરોનાગ્રસ્ત દર્દીઓને બાંકડા, સ્ટ્રેચર, વ્હીલ ચેર પર જ સારવાર આપવાની ફરજ પડી હતી. જ્યારે ચાર દર્દીઓને ઇમરજન્સી બેડ પર સારવાર શરૂ કરવામાં આવી હતી. મંગળવારે જિલ્લામાં ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા.