વિશ્વના દેશોને ક્લાઇમેન્ટ ચેન્જથી ખરબો ખરબો ડોલરનું નુક્સાન થઈ ચૂક્યું છે, પરંતુ વૈશ્વિક સંસ્થા યુનોમાં માત્ર ક્લાઇમેટ  ચેન્જની વાતો થાય છે તેને રોકવા માટેના પગલાં લેવાં સહિતની મસમોટી વાતો કરે છે. ક્લાઇમેટ  ચેન્જ રોકવા માટે જે કોઈ જરૂરી પગલાં લેવા જોઈએ તે પગલાંઓ લેવામાં ધ્યાન આપવામાં આવતું નથી! પરિણામે આજે વિશ્વનો મોટામાં મોટો વિસ્તાર એન્ટાર્કટિકાનો બરફ ઓગળવાની શરૂઆત થઈ ગઈ છે અને તે બરફનાં પાણીથી સમુદ્રની જળ સપાટી વધતી જઈ રહી છે, જે કારણે અનેક દેશોના દરિયાકિનારા સમુદ્રમાં સમાઈ રહ્યાં છે! આ કારણે કેટલાંક દ્વીપો કે દ્વીપકલ્પો સમુદ્રમાં ગરકાવ થઇ જશે, તે નિશ્ચિત છે. 

ક્લાઈમેટ ચેન્જથી વિશ્વને ૨૦ વર્ષમાં ૨.૫૬ ટ્રિલિયન અબજ ડોલરનું નુકસાન થયું



પર્યાવરણીય સંસ્થા જર્મન વોચ દ્વારા થોડાં સમય પહેલાં જાહેર કરેલા અહેવાલમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે, ક્લાઈમેટ ચેન્જથી વિશ્વને ૨૦ વર્ષમાં ૨.૫૬ ટ્રિલિયન અબજ ડોલરનું નુકસાન થયું છે, જ્યારે ઘાતક હવામાનને કારણે ૪.૭૫ લાખ મૃત્યુ થયાં છે. વિશ્વના દેશો આ બાબતને સારી રીતે જાણે છે, પરંતુ ક્લાઇમેંટ ચેન્જ અટકાવવા જરૂરી પગલાં લેવાયાં નથી. અત્યારે વિશ્વભરમાં ૨૫ ટકા જમીન છે અને ૭૫ ટકા પાણી છે, તે બાબતને વધુ સમજવાની જરૂર છે. એટલાન્ટિકા જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ દુનિયાના અનેક દરિયાકિનારા દેશોમાંની જમીન પાણીમાં ગરકાવ થતી જશે! પરંતુ વિશ્વના દેશો ક્લાઇમેટ  ચેન્જ રોકવાની મોટી મોટી વાતો કરશે તથા નુક્સાન થયાની વાતો કરશે પછી બધું જ ભૂલી જવામાં આવે છે. જે એક હકીકત છે અને તે છે વધી રહેલું તાપમાન! વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ રોકવા વિવિધ પ્રકારના પ્રદૂષણ ઓકતાં કે પેદાં કરતાં જે તે ઔદ્યોગિક એકમો કે સંસ્થાનો માટે જે તે દેશની સરકારોએ પ્રદૂષણ રોકવા માટેના આયોજન સાથે આકરાં અને ઠોસ પગલાં લેવાની જરૂર છે.

પર્યાવરણનું નુકશાન એ માનવજાતિનું નુકશાન



જો પ્રદૂષણ રોકવા માટેના પગલાં લેવામાં નહીં આવે તો તેનાં એવાં દુષ્કર પરિણામો આવશે કે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. યુનોમાં મોટી મોટી વાતો કરતાં દેશોમાં દર વર્ષે ૧૫ કરોડ વૃક્ષોનુ નિકંદન કાઢી નાખવામાં આવે છે, તો જંગલોનો પણ સફાયો કરવામાં સરકાર અને માનવજાત પાછું વળીને જોતી નથી. જે તે દેશની સરકારો વિકાસ કાર્યોને નામે ઔદ્યોગિક વસાહતો ઊભી કરવાના નામે વૃક્ષોનો અને જંગલોનો સફાયો કરી રહ્યાં છે. આવું થવાનું કારણ દરેક દેશોને ભૌતિક વિકાસનું વળગણ વળગ્યું છે, પરંતુ પછીથી આવનાર દુષ્કર પરિણામો અંગે વિચાર કરતાં નથી. તેમાં પણ માનવજાત, પશુ-પક્ષીઓને અતિ ઉપયોગી એવાં ભરપૂર માત્રામાં ઓક્સિજન આપતાં વૃક્ષોનું નિકંદન વધુ પ્રમાણમાં કાઢી નાખ્યું છે અને કાઢી રહ્યાં છે. તેમજ આડેધડ સિમેન્ટ કોંક્રીટના જંગલોની વણઝારો ઊભી કરવામાં વરસો જૂનાં વૃક્ષો અને કૃષિ ઉત્પાદન કરતી જમીનોનો ખાતમો કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં નુકશાનકારક છે.

પર્યાવરણની ઘોર ખોદવામાં ભારત ૮મા ક્રમે છે


પર્યાવરણનું નિકંદન કૃષિ ઉત્પાદનોને ખતમ કરશે અને તેનાં પરિણામે ભૂખમરો અને મરણાંક પણ મોટાં પ્રમાણમાં થશે. બેહદ ગરમી વધવા સાથે હવામાં ઓક્સિજન ઘટશે. પરિણામે વિવિધ રોગો પેદા થશે, જે વિશ્વને મોટામાં મોટું નુકસાન કરશે, જે નુકશાન કદાપી પૂરી શકાશે નહીં. આ બાબત દેશ-વિદેશના વિવિધ માન્ય સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થયેલાં અહેવાલોમાંથી ફલીત થાય છે. જોકે, ભારત ક્લાઇમેટ ચેન્જ નુકશાન થવામાં ૮મા ક્રમે છે. પરંતુ ભારતમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવી થોડું ઘણું નુકસાન થતું રોકે છે. છતાં પણ ભૌતિક વિકાસમાં વૃક્ષો, જંગલોને વધુ વિકસાવવા તરફ જોઈતાં આકરાં પગલાં લેવાં જરૂરી છે. તો જ આવનારા સમયમાં એક શુદ્ધ ભારતની કલ્પના કરી શકીશું.