૧૨ મે, ૧૯૭૮ના રોજ થિયેટરોમાં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘ડોન’ અમિતાભ બચ્ચની કારકિર્દીની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે એમાં કંઇ ખોટું નથી. ૭૦ના દાયકામાં જ્યારે અમિતાભ બચ્ચન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવાના પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આ ફિલ્મ તેમની કરિયર માટે માઇલસ્ટોન સાબિત થઇ હતી. ‘ડોન’ ફિલ્મમાં કામ કર્યા બાદ અમિતાભને લોકો બોલીવુડના ડોન કહેવા લાગ્યા હતા. જાકે તમે જાણો છો કે આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચન ફિલ્મ નિર્માતાની પહેલી પસંદ નહોતા. અમિતાભ બચ્ચન પહેલા આ ફિલ્મ માટે ત્રણ સુપરસ્ટારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, પણ ત્રણેયે ના પાડ્યા બાદ આ ફિલ્મમાં અમિતાભની એન્ટ્રી થઇ હતી. ‘ડોન’ના દિગ્દર્શક ચંદ્રા બારોટે પોતે આ વાતનો ખુલાસો એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. ચંદ્રા બારોટે કહ્યુ હતું કે એ સમયે ત્રણ સુપરસ્ટારે ‘ડોન’ની સ્ક્રિપટને ઠુકરાવી હતી. આ ફિલ્મ માટે જે ત્રણ સુપરસ્ટારનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, તેમાં દેવ આનંદ, જિતેન્દ્ર અને ધર્મેન્દ્ર જેવા અભિનેતાનો સમાવેશ હતો. ત્રણેય અભિનેતાને સ્ક્રિપટ પસંદ ન આવી. ચંદ્રા બારોટ ત્યાર બાદ ‘ડોન’ની ભૂમિકા માટે અમિતાભ પાસે ગયા હતા અને તેમણે હા પાડી હતી. આ ફિલ્મ માટે અમિતાભ બચ્ચનને ફિલ્મફેરનો બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. અમિતાભની સાથે ફિલ્મમાં જિનત અમાન, હેલન અને પ્રાણ જેવા કલાકારો જાવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે ૨૦૦૬માં ફરહાન અખ્તરે શાહરુખ ખાનને લઇને ‘ડોન’ની રિમેક બનાવી હતી. બાદમાં ૨૦૧૧માં તેણે ‘ડોન-૨’ પણ બનાવી. બંને ફિલ્મ હિટ સાબિત થઇ હતી.