દિલ્હી-

પ્રજાસત્તાકદિને ખેડૂતોની ટ્રેક્ટર રેલી દરમિયાન શું ઘટનાઓ બની અને કેવી રીતે હિંસા થઈ એ બાબતે હવે ગૃહ મંત્રાલય ખુદ તપાસ કરી રહ્યું છે. રેલીના બે દિવસ અગાઉથી આયોજન અને સમજૂતિ કરાયા છતાં આટલી અરાજકતા ફેલાઈ કેવી રીતે તે બાબતે હવે સરકાર તપાસ કરી રહી છે.

આ બાબતે મિડિયામાં હેવાલો છે કે, સિંઘુ અને ગાઝીપુર બોર્ડરો પર સમજૂતિ મુજબ, બપોરે ૧૨ વાગ્યાના બદલે સવારે ૬-૩૦ કલાકથી જ ખેડૂતોએ બેરીકેડ પર હુમલો શરુ કરી દીધો હતો. તેમના ભારે દબાણ અને આક્રમણને પગલે આખરે પોલીસે રેલીના સમયથી ત્રણ કલાક પહેલાં એટલે કે, સવારે નવ વાગ્યે બેરીકેડ્‌સ ખોલવા મજબૂર થવું પડ્યું હતું. થોડા કિલોમીટર સુધી શાંતિપૂર્ણ રેલી નીકળી હતી પરંતુ ત્યારબાદ અનેક સ્થળે બેરીકેડ તોડવાના સમાચાર ફેલાયા હતા.

પોલીસે રેલી પોલીસ દિલ્હી તરફ ન જાય એ માટે બેરીકેડ્‌સ લગાવ્યા હતા, પરંતુ ખેડૂતોએ નજફગઢને બદલે રાજધાની તરફ કૂચ કરી હતી. આ પૈકીના કેટલાક યુવાનો બેરીકેડ તોડીને દિલ્હી જવા માંગતા હતા જ્યારે અન્ય નેતાઓ રેલીને નજફગઢ તરફ લઈ જવાનો મત ધરાવતા હતા. તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી અને આખરે અહીં ખેડૂતો બે જૂથોમાં વહેંચાઈ ગયા હતા. તેને પગલે પોલીસે નાંગલોઈ ફ્લાયઓવરની પાસે જે બેરીકેડ્‌સ લગાડ્યા હતા તેને તોફાની તત્વોએ તોડી નાંખ્યા હતા. ભારે તોફાન થતાં પોલીસે ટીયરગેસ સેલ્સ છોડવા પડ્યા હતા જેને પગલે ભીડ બેકાબુ થાય એવા અણસાર થયા હતા અને પોલીસે બેરીકેડ છોડીને ભાગવું પડ્યું હતું.

યુવાનોના કેટલાંક ટોળા રાજધાની તરફ વળી ગયા હોવાથી ભારે અસમંજસનો માહોલ હતો. કેટલાંક ટોળાં રાજધાની તરફ આગળ ધસી ગયા હતા તો કેટલાંક નજફગઢ બાજુ કૂચ કરતા હતા. વોલેન્ટીયરો અને વરિષ્ઠ ખેડૂતોએ યુવાનોને સમજાવવા પ્રયાસ કર્યો હતો જે વ્યર્થ રહ્યો હતો. હવે ટોળાંનું નેતૃત્વ તોફાની યુવાનોના હાથમાં આવી પડતાં ત્રણ વાગ્યે પોલીસના અનેક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. નિહંગ યુવાનોએ પોલીસોની લાઠી છીનવી લીધી હતી અને પોલીસવાહનોમાં તોડફોડ કરતા યુવાનો આવા વાહનો વચ્ચે સેલ્ફી લઈ રહ્યા હતા. કેટલાક લોકો જે આ તોડફોડનો વિડિયો બનાવતા હતા તેમના મોબાઈલને પણ યુવાનોએ તોડી નાંખ્યા હતા.

એકાએક આવું તોફાન ફાટી નિકળતાં લોકો ગભરાઈને ઘરોમાં છૂપાયા હતા અને પોલીસે પણ આસપાસના ઘરોમાં શરણ લેવું પડ્યું હતું. આખરે સેનાના દળોએ સ્થિતી સંભાળવી પડી હતી. એકંદરે કહી શકાય કે, થોડાક તોફાની યુવાનોએ હજારો ખેડૂતોના આંદોલનનો હવાલો લઈને શાંતિપૂર્ણ રેલીના ખેડૂતોના વચનને ધૂળમાં મેળવી દીધું હતું.