આણંદ : પેટલાદના આશી ગામમાં આવેલા એક મકાનમાં નડિયાદના સિવિલ હોસ્પિટલના તબીબને ફસાવી, બ્લેકમેઈલ કરનારી ત્રણ મહિલા સહિત છ જણની ટોળકીએ આ તબીબ જ નહીં આણંદની બીજી અનેક વ્યક્તિને ટાર્ગેટ કરી હતી! આ વ્યક્તિઓ કોણ છે? તે ટોળકીની પૂછપરછમાં ખુલે એવી શક્યતા છે. 

પોલીસે હનિટ્રેપ કરતી આ ટોળકીને ઝડપી લીધાં બાદ કોર્ટમાં રજૂ કરતાં સોમવારે સાંજે ચાર વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે, આ ટોળકી આવાં અનેક ખેલ કરી ચૂકી છે. આણંદ શહેરમાં પણ કેટલીક જાણીતી વ્યક્તિઓને ભોગ બનાવી ચૂકી છે. જાેકે, સામેથી કોઈ આગળ આવશે તો તમામની ફરિયાદ લેવામાં આવશે અને કાર્યવાહી કરાશે.

આ અંગે જણવતાં પેટલાદ શહેર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ ટી.આર. ગઢવીએ કહ્યું હતું કે, છેલ્લાં પાંચથી છ વર્ષથી ઝડપાયેલી ટોળકીના આરોપીઓ પ્રફુલ્લા, શખુ ઊર્ફે શકુ, અફરોઝ, ધીરેન્દ્રસિંહ, ગીરીશ અને ઈશ્વર એકબીજાને ઓળખે છે. તેઓએ અગાઉ પણ આણંદ શહેરમાં કેટલાંક સુશિક્ષિતને ટાર્ગેટ કરી ચૂક્યાં છે. આ બાબતે પીડિત વ્યક્તિઓ સામે આવે તો તેમની પણ ફરિયાદ લેવામાં આવશે અને ગુનો દાખલ કરાશે. ઘટના બની એ દિવસે તમામે તબીબ પાસેથી મળેલાં ખંડણીના નાણાં વહેંચી લીધાં હતાં, એ પછી આગળ શું કરવું તેનું પ્લાનિંગ કર્યું હતું. ગુનામાં સંડોવાયેલાં આરોપીઓ વિરુદ્ધ અગાઉ આણંદ જિલ્લામાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ લોકોને ટાર્ગેટ કરતા હતા.

પીડિત ડો. ધીરેન શાહે પોલીસને જણાવ્યું હતું કે, પ્રફુલ્લાબહેનને હું છેલ્લાં કેટલાંક વરસોથી ઓળખું છું. તેઓ અવાર નવાર દર્દીઓની સારવાર માટે ભલામણ કરતાં રહેતાં હતાં. તેમણે ગેંગ સાથે મળીને આ રીતે ઘટનાને અંજામ આપતાં ખૂબ આઘાત લાગ્યો છે. આ ઘટનાના બીજા દિવસથી જ તેઓએ સતત મોબાઇલ પર ફોન કરી બ્લેકમેઇલ કરવાનું શરૂ કરી દીધું હતું. કામના જ સમયે સતત ફોન કરીને પૈસાની માગણી કરવામાં આવતી હતી. સતત રકમ પડાવવા ફોન આવતાં હોવાથી સમગ્ર મામલે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ લડત આપવાનો ર્નિણય કર્યો હતો.

આ ટોળકી એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવી?

આ ટોળકી એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવી હતી? તબીબ ઉપરાંત તેઓએ કોને-કોને ટાર્ગેટ કર્યા હતાં? કોની પાસેથી કઈ મોડસઓપરેન્ડી દ્વારા નાણાં વસૂલ્યાં હતાં વગેરે બાબતે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરવામાં આવશે. હવે જાેવાનું એ રહે છે કે, પોલીસ તપાસમાં શું-શું નવાં ઘટસ્ફોટ થાય છે? પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો આરોપી ધીરુ ચૌહાણ ઊર્ફે ધીરુસાહેબ આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે. ૨૦૧૫માં ધીરુ સામે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એ વખતે પણ તેણે પોલીસની ઓળખ આપીને પૈસા પડાવ્યાં હતાં. પત્રકાર ધીરુ ઉપરાંત પોલીસની ઓળખ આપનારો આરોપી ગીરીશ ચૌહાણ પણ તોડબાજ હોવાનું ખુલ્યું છે. ગીરીશે અગાઉ બોરસદના ઈંટોના ભઠ્ઠાના માલિકને ધાક-ધમકી આપી પૈસા પડાવ્યાં હતાં. ગીરીશ વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

મહિલા સરળ રસ્તે પૈસા બનાવવા ખોટાં માર્ગે વળી

સમગ્ર કાંડમાં હેતલ ઊર્ફે અફરોઝબાનુનો પતિ વકીલ છે. સૂત્રોનું કહેવું છે કે, અફરોઝ અને તેનાં પતિ વચ્ચ ખટરાગ ચાલી રહ્યો છે. તેમને દેવું પણ થઈ ગયું છે અને તેને કારણે જ મહિલા સરળ રસ્તે પૈસા બનાવવા ખોટાં માર્ગે વળી હતી. વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ધમકી આપીને પૈસા માગવાની ફરિયાદ નોંધાઈ હતી.

ધીરુ ચૌહાણ ઊર્ફે ધીરુસાહેબ આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર

પોતાને પત્રકાર તરીકે ઓળખાવતો આરોપી ધીરુ ચૌહાણ ઊર્ફે ધીરુસાહેબ આ સમગ્ર ષડયંત્રનો મુખ્ય સૂત્રધાર છે. ૨૦૧૫માં ધીરુ સામે ખંભાત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. એ વખતે પણ તેણે પોલીસની ઓળખ આપીને પૈસા પડાવ્યાં હતાં. પત્રકાર ધીરુ ઉપરાંત પોલીસની ઓળખ આપનારો આરોપી ગીરીશ ચૌહાણ પણ તોડબાજ હોવાનું ખુલ્યું છે. ગીરીશે અગાઉ બોરસદના ઈંટોના ભઠ્ઠાના માલિકને ધાક-ધમકી આપી પૈસા પડાવ્યાં હતાં. ગીરીશ વિરુદ્ધ વાસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.