આણંદ : આણંદ પાલિકાના ચૂંટણી જંગમાં ભાજપ પ્રદેશ પ્રમુખની નવી નીતિની અમલવારીના પગલે ૧૧ જૂનાં જાેગીઓ કપાશે, જેનાં કારણે પક્ષ દ્વારા તેમને સહકાર આપવાનું જણાવાતાં એસીબીની લટકાવેલી તલવાર વચ્ચે દુભાયેલાં નેતાઓ દ્વારા વફાદારીના વેણ તો ઉચ્ચારવામાં આવ્યાં છે, પણ ભરોસો કેટલો? આવો સવાલ આજે દૂધનગરીમાં ચર્ચાના ચોરે ઊઠી રહ્યો છે. એવી ચર્ચા છે કે, ગત વિધાનસભા ચૂંટણીમાં પક્ષના જ ઉમેદવારને હરાવવા પડદા પાછળ શકુની ખેલ રચાયો હતો. આ ખેલની રજૂઆત પણ પરિણામ બાદ હારેલાં ઉમેદવાર દ્વારા પક્ષ મોવડીમંડળને કરવામાં આવી હતી. ત્યારે હવે ભલે વફાદારીના વેણ ઉચ્ચારાયાં હોય, પણ દૂધના દાઝેલાં પક્ષે છાશ ફૂંકીને પીવી ન પડે એટલે જ એસીબીની તલવાર લટકાવી હોવાનું પણ કહેવાય છે!

મળતી માહિતી અનુસાર, આણંદ પાલિકાની તા.૨૮મીએ યોજાનારી ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવાર મુદ્દે નવી પોલિસી જાહેર કરવામાં આવતાં આણંદ પાલિકાના ૧૧ વરિષ્ઠ નેતાઓના પતા કપાઈ જશે. પરિણામે પક્ષ દ્વારા કપાનારાં નેતાઓ ચૂંટણીમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ ન કરે અને નવાં ઉમેદવારને જીતાડવા કટીબદ્ધ રહે એ માટે એસીબીની તલવાર અગાઉ જ લટકાવી દેવાામાં આવી છે, જેથી દુભાયેલાં નેતાઓ ક્યાંય આઘાપાછા ન થાય. હાલ આ નેતાઓએ વફાદારી નિભાવવાના વેણ તો ઉચ્ચાર્યા છે, પરંતુ ભરોસો કેટલો? એવો સવાલ પણ ઊઠી રહ્યો છે. એટલાં માટે કારણ કે, ગત વિધાનસભા ચૂંટણી ટાણે પક્ષના જ ઉમેદવારને હરાવવા પડદા પાછળ ખેલ રચાયો હતો. આ બાબતની રજૂઆત પણ પક્ષના ઉમેદવારની હારના મંથન પર પ્રદેશકક્ષાએ કરવામાં આવી હતી. ત્યારે ભલે એસીબીની લટકતી તલવાર વચ્ચે વફાદારીનો કોલ અપાયો હોય, પણ પક્ષ દૂધનો દાઝેલો હોવાથી આ વખતે છાશ પણ ફૂંકીને જ પીશે, એવું પક્ષના વર્તુળોમાંથી જાણવા મળે છે.