અમદાવાદ-

ગુજરાતમાં સી-પ્લેનનો ક્ધસેપ્ટ પ્રવાસન હેતુ માટે શરૂ થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.31મી ઓક્ટોબરે અમદાવાદના રિવરફ્રન્ટ થી ઉડાન ભરીને સી-પ્લેન મારફતે આ પ્રવાસી ઉડાનનો પ્રારંભ કરશે. હાલ કેનેડાથી 18 બેઠકોના એક એવાં બે સી-પ્લેન ગુજરાત આવવાના છે.

મળતી માહિતી મુજબ તા. 31મી ઓક્ટોબર સરદાર પટેલની જન્મજ્યંતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલીઝંડી બતાવીને આ સેવાનો પ્રારંભ અમદાવાદના રિવરફ્રન્ટથી કરશે. હાલ રિવરફ્રન્ટમાં સી-પ્લેન માટે ફ્લોટીંગ જેટીના કામો ચાલી રહ્યાં છે. મોદી અમદાવાદ થી કેવડિયા સુધી સી-પ્લેન મારફતે જશે. મોદીના ઉદ્દધાટન બાદ કેવડિયા જવા માગતા પ્રવાસીઓ આ સી-પ્લેનનો ઉપયોગ કરી શકશે. એક ટિકીટનું ભાડું 4800 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે જેનો લાભ પ્રવાસીઓ લઇ શકશે. તા. 20મી ઓક્ટોબર સુધીમાં 18 બેઠકો ધરાવતાં બે સી-પ્લેન કેનેડાથી અમદાવાદ આવશે. સ્પાઇસ જેટ દ્વારા સંચાલિત થનારી આ ફ્લાઇટમાં બે વિદેશી પાયલટ અને બે ક્રુ મેમ્બર હશે જે છ મહિના સુધી ગુજરાતમાં રોકાશે.

આ બન્ને વિદેશી પાયલટ ભારતીય પાયલટને સી-પ્લેન ઓપરેટ કરવાની તાલીમ આપવાના છે. છ મહિના સુધી તો વિદેશી પાયલટ સી-પ્લેનમાં અમદાવાદ થી કેવડિયા સુધીની સફર કરાવશે. આ સી-પ્લેન સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનું 220 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપશે.

સાબરમતી નદીના રિવરફ્રન્ટમાં તેમજ કેવડિયાના પોન્ડ-3માં વિમાનના લેન્ડીંગ અને ટેકઓફની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બન્ને જગ્યાએ પ્લેન પૂર્વ થી દક્ષિણ દિશા તરફ લેન્ડીંગ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે 31મી ઓક્ટોબરે ઉડાન ભર્યા બાદ સી-પ્લેનની સુવિધા શેત્રુંજી ડેમ સુધી શરૂ કરાશે. ડીજીસીએ ઉડાન-3 હેઠળ અમદાવાદના આ બન્ને રૂટ પર સી-પ્લેન ઓપરેટ કરવાની મંજૂરી આપી છે, જ્યારે ઉડાન-4 યોજનામાં અમદાવાદ થી ધરોઇ ડેમ સુધીના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે.